E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeIndiaNATIONAL : ભારતનો જીડીપી 6.5 ટકા : ચાર વર્ષના તળિયે

NATIONAL : ભારતનો જીડીપી 6.5 ટકા : ચાર વર્ષના તળિયે

મેન્યુફેકચરિંગ ક્ષેત્રના નબળા દેખાવને કારણે દેશની આર્થિક વૃદ્ધિ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં ઘટીને ૭.૪ ટકા થઇ છે. આ સાથે જ સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નો જીડીપી વૃદ્ધિ દર ઘટીને ચાર વર્ષના નિમ્ન સ્તર ૬.૫ ટકા રહ્યો છે તેમ આજે જારી સત્તાવાર આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. ભારતીય અર્થવ્યવસ્થાનું કદ વધીને ૩૩૦.૬૮ લાખ કરોડ રૂપિયા એટલે કે ૩.૯ ટ્રિલિયન ડોલર થયું છે. સરકારે આગામી પાંચ વર્ષોમાં અર્થતંત્રનું કદ વધારીને પાંચ ટ્રિલિયન ડોલર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

ગત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં જીડીપીનો વૃદ્ધિ દર ૯.૨ ટકા હતો. જાન્યુઆરીથી માર્ચ કવાર્ટરમાં ચીનનો જીડીપી ૫.૪ ટકા રહ્યો છે. 

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના એપ્રિલ-જૂન કવાર્ટરમાં જીડીપી ૬.૫ ટકા, જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં ૫.૬ ટકા, ઓક્ટોબર-ડિસેમ્બર કવાર્ટરમાં ૬.૪ ટકા અને જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં જીડીપી ૭.૪ ટકા રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં જીડીપી ૮.૪ ટકા રહ્યો હતો. એનએસઓએ ફેબુ્રઆરીમાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નો જીડીપી ૬.૫ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. 

વાર્ષિક ધોરણે મેન્યુફેકચરિંગ સેક્ટરની વૃદ્ધિ ૧૨.૩ ટકાથી ઘટીને ૪.૫ ટકા રહી છે. જો કે કૃષિ સેક્ટરની વૃદ્ધિ ૨.૭ ટકાથી વધીને ૪.૬ ટકા રહી છે. 

ચોથા કવાર્ટરમાં મેન્યુફેકચરિંગ સેક્ટરની વૃદ્ધિ ગયા વર્ષના ચોથા કવાર્ટરની સરખામણીમાં ૧૧.૩ ટકાથી ઘટીને ૪.૮ ટકા રહી છે. જાન્યુઆરી-માર્ચમાં કન્સ્ટ્રકશન સેક્ટરની વૃદ્ધિ ગયા વર્ષના ચોથા કવાર્ટરની સરખામણીમાં ૮.૭ ટકાથી વધીને ૧૦.૮ ટકા રહી છે. ૨૦૨૪-૨૫ના છેલ્લા કવાર્ટરમાં કૃષિ સેકટરની વૃદ્ધિ ગયા વર્ષના ચોથા કવાર્ટરની સરખામણીમાં ૦.૯ ટકાથી વધીને ૫.૪ ટકા રહી છે. ચોથા કવાર્ટરમાં વીજળી, ગેસ, પાણી પુરવઠો અને અન્ય યુટિલિટી સર્વિસીસ ૫.૪ ટકાના દરે વૃદ્ધિ પામી હતી.એક વર્ષ અગાઉના સમાન ગાળામાં આ યુટિલિટી સર્વિસ ૮.૮ ટકાના દરે વૃદ્ધિ પામી હતી. 

ભારતીય અર્થતંત્ર વિશ્વમાં ચોથું કે પાંચમું ? 

નવી દિલ્હી: તાજેતરમાં નીતિ આયોગે જાહેરાત કરી હતી કે ભારતીય અર્થતંત્ર જાપાનને પાછળ મૂકીને વિશ્વનું ચોથુંં અર્થતંત્ર બની ગયું છે. જો કે નીતિ આયોગે  ભારતને વિશ્વનું ચોથું અર્થતંત્ર જાહેર કરવામાં ઉતાવળ કરી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે આજે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા  જારી કરવામાં જીડીપીના આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતીય અર્થતંત્રનું કદ ૩.૯ ટ્રિલિયન ડોલર હતું. જે મુજબ ભારતીય અર્થતંત્ર વિશ્વમાં પાંચમાં ક્રમે છે. જો કે એનએસઓએ વધુમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬મા ભારતીય અર્થતંત્ર જાપાનને પાછળ મૂકીને વિશ્વનું ચોથું અર્થતંત્ર બની જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments