મણિપુરમાં ફરી એકવાર પરિસ્થિતિ તંગ
પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ
બિષ્ણુપુરમાં સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યો

મણિપુરમાં ફરી એકવાર પરિસ્થિતિ તંગ બની રહી છે. જેથી વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. તેમજ બિષ્ણુપુરમાં સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થોઉબલ અને કાકચિંગ જિલ્લામાં ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વહીવટીતંત્રે રવિવારે ખીણના પાંચ જિલ્લાઓમાં પાંચ દિવસ માટે VSAT અને VPN સહિત ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

આ આદેશ શનિવારે રાત્રે 11:45 વાગ્યાથી ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થોઉબલ, બિષ્ણુપુર અને કાકચિંગમાં લાગુ થશે.કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મેઇતેઈ નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. આ અહેવાલોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ તેનાથી મણિપુરમાં પરિસ્થિતિ ફરી તંગ બની ગઈ છે. શનિવારે, ઇમ્ફાલના કેટલાક ભાગોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મેઇતેઈ સંગઠન અરંબાઈ ટેંગોલના પાંચ સ્વયંસેવકોની ધરપકડ કરવામાં આવી છે. જેથી ટેંગોલની મુક્તિની માંગણી કરતા, વિરોધીઓએ ક્વાકેઇથેલ અને ઉરીપોક ખાતે રસ્તાની વચ્ચે ટાયર અને જૂના ફર્નિચરને આગ લગાવી દીધી હતી. જોકે, ધરપકડ કરાયેલા નેતાના નામ અથવા તેમની સામેના આરોપો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.