અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે LPG ભરેલા ભારતીય જહાજોએ હોર્મુઝ જળમાર્ગ સુરક્ષિત રીતે પાર કરી લીધું છે. આ જહાજો ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેમજ ભારતીય સેનાની કુશળતાના કારણે અને સેનાએ ઓમાનના અખાતથી અરબી સમુદ્ર સુધી લગભગ 20 કલાક સુધી રક્ષણ કર્યા બાદ ખતરનાક હોર્મુઝ જળમાર્ગ પાર કરી લીધો છે.
રિપોર્ટ મુજબ, 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરું થયું હતું, જોકે તેના એક દિવસ પહેલા સંયુક્ત આરબ અમીરાતના રુવૈસ પોર્ટથી ‘પાઈન ગેસ’ નામનું LPG ટેન્કર ભારત આવવાનું હતું અને તે એક સપ્તાહની અંદર પહોંચવાની આશા હતી. પરંતુ યુદ્ધના કારણે હોર્મુઝ જળમાર્ગ પર પ્રતિબંધ લદાયો હતો. જોકે હવે માત્ર પસંદગીના દેશોને જ હોર્મુઝ પાર કરવાની મંજૂરી મળી હોવાથી, ભારતીય LPG ભરેલું આ જહાજને લગભગ ત્રણ સપ્તાહનો સમય લાગી ગયો છે.

ભારતીય જહાજ એક સપ્તાહના બદલે ત્રણ સપ્તાહ બાદ ભારત પહોંચવાનું છે. આ જહાજો ખતરનાક હોર્મુઝમાંથી કેવી રીતે પસાર થયા, તે અંગે ગેસ ચીફ ઓફિસર સોહન લાલે સમગ્ર માહિતી આપી છે. તેમણે કહ્યું કે, યુદ્ધના કારણે જહાજ પર સવાર 27 ક્રૂ મેમ્બર ભયાનક ડર વચ્ચે યુદ્ધને નજરે જોયું છે. જ્યારે તેઓ હોર્મુઝ તરફ હતા, ત્યારે તેઓએ ઉપર ઉડતી મિસાઈલો અને ડ્રોન જોયા હતા. ભારતીય અધિકારીઓએ ક્રૂ મેમ્બર્સને લગભગ 11 માર્ચે જવા માટે તૈયાર રહેવા કહ્યું હતું. જોકે યુદ્ધ આક્રમક બન્યા બાદ જહાજોને 23 માર્ચ સુધી હોર્મુઝ જળમાર્ગ પાર કરવાની મંજૂરી ન હતી. ત્યારપછી ઈરાની સેનાએ ઈરાન જળમાર્ગથી દૂર લારક ટાપુના ઉત્તરમાં એક સાંકળા રસ્તામાંથી જવાની મંજૂરી આપી હતી.
સોહન લાલે વધુમાં કહ્યું કે, ભારતીય સેનાની કુશળતાના કારણે જહાજો હોર્મુઝ પાર કરી શક્યા છે. સેનાએ જહાજનો હોર્મુઝના બદલે લારક જળમાર્ગમાંથી પસાર થવાની સલાહ આપી હતી, કારણ કે હોર્મુઝવાળો રસ્તો સમુદ્રી સુરંગોથી ભરેલો હતો. જ્યારે તમામ ક્રૂ મેમ્બર્સ આગળ જવા માટે તૈયાર થયા ત્યારે ભારતીય અધિકારીઓ અને જહાજના માલિકે જહાજને આગળ વધવાની મંજૂરી આપી હતી. જ્યારે ભારતીય જહાજો પસાર થઈ રહ્યા હતા, ત્યારે ભારતીય નૌસેનાએ ઓમાનની ખાડીથી લઈને અરબ સાગર સુધી લગભગ 20 કલાક સુધી મોનિટરીંગ કર્યું હતું અને ક્રૂ મેમ્બર્સને ગાઈડ પણ કરવાની સાથે સુરક્ષા આપી હતી.


