જો તમે માતા વૈષ્ણો દેવી મંદિર કટરા, જમ્મુ-કાશ્મીરની યાત્રા માટે નવા વર્ષમાં જવાનો પ્લાન બનાવી રહ્યા હો, તો આ વખતે યાત્રાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છેજો તમે માતા વૈષ્ણો દેવી મંદિર કટરા, જમ્મુ-કાશ્મીરની યાત્રા માટે નવા વર્ષમાં જવાનો પ્લાન બનાવી રહ્યા હો, તો આ વખતે યાત્રાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે, જે દરેક શ્રદ્ધાળુએ જાણવું જરૂરી છે. માતાજીના દર્શને જતા પહેલા એક વખત જરૂરથી વાંચો.
દર વર્ષે નવા વર્ષની શરૂઆતમાં લાખો ભક્તો કટરા બેઝ કેમ્પ પર પહોંચે છે. ભારે ભીડને કારણે ટ્રેક પર સુરક્ષા, ભીડ વ્યવસ્થાપન અને ઇમરજન્સી સેવાઓમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. આને ધ્યાનમાં રાખીને શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ દ્વારા યાત્રાને વધુ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ બનાવવા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
આ ફેરફારોમાં સૌથી મોટો બદલાવ RFID યાત્રા કાર્ડ સાથે જોડાયેલો છે. હવે RFID કાર્ડ મળ્યા પછી યાત્રા શરૂ કરવા અને પૂર્ણ કરવા માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

RFID કાર્ડ મળ્યા પછી 10 કલાકની અંદર યાત્રા શરૂ કરવી ફરજિયાત છે. એટલે કે ભક્તોએ મોડું કર્યા વગર ચઢાણ શરૂ કરવું પડશે. દર્શન કર્યા બાદ 24 કલાકની અંદર કટરા બેઝ કેમ્પ પર પરત ફરવું અનિવાર્ય છે. લાંબા સમય સુધી ભવન કે આસપાસ રોકાવાની મંજૂરી હવે નહીં મળે, જેથી ટ્રેક પર ભીડ નિયંત્રણમાં રહે.
આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ યાત્રાને સુરક્ષિત, વ્યવસ્થિત અને સુખદ બનાવવાનો છે. નિયમો લાગુ થયા બાદ ટ્રેક પર જામ, અકસ્માતનો ખતરો અને ઇમરજન્સી સમયે રાહત સેવાઓ પહોંચવામાં થતો વિલંબ ઘટાડવાની આશા છે.
ભક્તો પદયાત્રા, બેટરી કાર, હેલિકોપ્ટર અથવા ઘોડા-પિઠ્ઠુ સેવાથી યાત્રા કરે, તમામ પર આ સમય મર્યાદા સમાન રીતે લાગુ પડશે.કટરાથી માતા વૈષ્ણો દેવી ભવન સુધીનું અંતર આશરે 13 કિલોમીટર છે. સામાન્ય રીતે પગપાળા ચઢાણમાં 6થી 8 કલાક અને ઉતરવામાં પણ એટલો જ સમય લાગે છે. અગાઉ યાત્રા શરૂ કે પૂર્ણ કરવા માટે કડક સમય મર્યાદા ન હતી, પરંતુ હવે નવા નિયમો ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવ્યા છે.
યાત્રા શરૂ કરતા પહેલા આ નવા નિયમો ધ્યાનમાં રાખશો, જેથી તમારી યાત્રા નિર્વિઘ્ન, સુરક્ષિત અને આનંદદાયક બની રહે.


