આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસીના સન્માન સમારોહમાં શનિવારે (13મી ડિસેમ્બર) કોલકાતાના સોલ્ટલેક સ્ટેડિયમમાં ભારે હોબાળો મચી ગયો હતો. મેસ્સીની એક ઝલક જોવા માટે હજારો ચાહકો એકઠા થયા હતા, પરંતુ આયોજનમાં ગેરવ્યવસ્થા અને મેસ્સીના વહેલા પ્રસ્થાનને કારણે ગુસ્સે ભરાયેલા ફેન્સે સ્ટેડિયમમાં તોડફોડ કરી હતી.
ફેન્સે દાવો કર્યો હતો કે તેમણે મેસ્સીની એક ઝલક જોવા માટે 5,000થી લઈને 25,000 રૂપિયા સુધીની ઊંચી કિંમતની ટિકિટો ખરીદી હતી. જો કે, મેસ્સી નિર્ધારિત સમય (સવારે 11:15 કલાકે) પર પહોંચ્યા અને માત્ર 20 મિનિટમાં ત્યાંથી પ્રસ્થાન કરી ગયા, જેનાથી ચાહકોમાં વ્યાપક ગુસ્સો ફેલાયો.

અહેવાલો અનુસાર, પરિસ્થિતિ કાબૂ બહાર જતાં મુખ્યમંત્રીના આદેશ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને કાર્યક્રમના મુખ્ય આયોજક સતદ્રુ દત્તાની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે FIR પણ દાખલ કરવામાં આવી છે.કાયદા અને વ્યવસ્થાના અધિક મહાનિર્દેશક (ADG) જાવેદ શમીમે જણાવ્યું હતું કે, ‘પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.’ આ ઉપરાંત તેમણે ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી, દર્શકોને તેમના ટિકિટના પૈસા પરત આપવા અને ઘટનાની સંપૂર્ણ તપાસની ખાતરી આપી હતી.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે જનતા પાસે માફી માંગી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, ‘આજે સોલ્ટલેક સ્ટેડિયમમાં જે મિસમેનેજમેન્ટ થયું, તેનાથી હું ખૂબ જ વ્યથિત અને આઘાત પામી છું. હું લિયોનેલ મેસી તેમજ તમામ રમતપ્રેમીઓ અને તેમના ફેન્સની દિલથી માફી માંગુ છું.’


