લેખક: પવન માકન (ગ્રુપ એડિટર, પાક્કો ગુજરાત)
ભારતીય રાજનીતિ અત્યારે એક એવા વળાંક પર છે જ્યાં તથ્યો કરતાં તર્ક અને વિકાસ કરતાં વિવાદોનો અવાજ વધુ સંભળાય છે. પશ્ચિમ બંગાળથી લઈને કેરળ સુધીના રાજકીય નિવેદનો પર નજર કરીએ તો સમજાય છે કે જનતાને મૂળભૂત મુદ્દાઓ પર લડવાને બદલે ‘ડર’ ના ઓઠા હેઠળ રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મમતા બેનર્જીનું ‘કેશ-ગેસ’ વાળું નિવેદન હોય કે રાહુલ ગાંધીનું ‘દબાણ’ વાળું ગણિત, આ બધું જ લોકશાહીના સ્તર પર ગંભીર સવાલો ઉભા કરે છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં આક્ષેપ કર્યો કે જો ભાજપ સત્તામાં આવશે તો ‘કેશ અને ગેસ’ (સરકારી યોજનાઓ અને સબસિડી) બંધ કરી દેશે. આ નિવેદન સીધી રીતે ગરીબ અને મધ્યમ વર્ગની નસ દબાવવાનો પ્રયાસ છે. સવાલ એ થાય છે કે શું જનતાની સુખાકારીની યોજનાઓ કોઈ પક્ષની અંગત જાગીર છે? લોકશાહીમાં સરકારો બદલાય છે, પણ જનહિતની યોજનાઓનો ભય બતાવીને મત મેળવવા એ શું નૈતિક રાજનીતિ છે?
બીજી તરફ, કેરળમાં રાહુલ ગાંધીએ ‘દબાણની સાંકળ’ વાળો નવો જ રાગ છેડ્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદી પર ટ્રમ્પનું દબાણ છે અને તેવી જ રીતે કેરળના સીએમ પિનારાઈ વિજયન પર મોદીનું દબાણ છે. આ સાંભળવામાં કદાચ ચટપટું લાગે, પણ શું ભારત જેવા સાર્વભૌમ દેશના નેતાઓ ખરેખર વિદેશી શક્તિઓના ઈશારે નાચે છે? જો દબાણ જ હોત તો દેશના હિતમાં લેવાતા કડક નિર્ણયો ક્યારનાય રોકાઈ ગયા હોત.
ગુજરાતની સ્થિતિ અને ‘વહીવટી’ વાસ્તવિકતા
રાજનીતિમાં આક્ષેપો તો થતા રહેશે, પણ ગુજરાતની જનતા માટે અત્યારે સવાલ એ છે કે શું માત્ર મોટા નેતાઓના નિવેદનોથી જ પરિવર્તન આવશે? હળવદના રેતી કાંડમાં જ્યારે ‘બિલાડીને દૂધનું રખોપું’ સોંપાય છે, ત્યારે નેતાઓ કેમ મૌન સેવે છે? રાજકોટમાં જ્યારે પોલીસ કસ્ટડીમાં અમાનવીય અત્યાચારના આક્ષેપો થાય છે, ત્યારે કેમ કોઈ ‘દબાણ’ ની વાત નથી કરતું? સી.આર. પાટીલે સાચું જ કહ્યું છે કે આર્મી અને પોલીસ બંને ખાખી પહેરે છે, પણ પોલીસ પ્રત્યે નફરત કેમ? કારણ કે સત્તાનો નશો જ્યારે સેવાની ભાવના પર હાવી થઈ જાય છે, ત્યારે જનતાનું ‘સ્વમાન’ ઘવાય છે.
‘પાક્કો ગુજરાત’ માને છે કે નેતાઓએ પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે આવા કાલ્પનિક ભય અથવા આંતરરાષ્ટ્રીય દબાણના તર્ક લાવવાને બદલે જનતાના સાચા પ્રશ્નો—જેવા કે મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર—પર ધ્યાન આપવું જોઈએ.
રાજનીતિના આ ચેસબોર્ડ પર નેતાઓ ભલે ગમે તેટલી ચાલો ચાલે, પણ અંતે તો જનતા જ ‘કિંગ’ છે. નેતાઓએ સમજવું પડશે કે માત્ર ડરાવીને કે બીજા પર આક્ષેપો કરીને લાંબો સમય સત્તા ટકાવી શકાતી નથી. જનતાને ‘કેશ-ગેસ’ ના ભય કરતા ‘વિકાસ અને વિશ્વાસ’ ની વધુ જરૂર છે. અમે સવાલો પૂછતા રહીશું, કારણ કે સત્ય છુપાવવું એ પણ એક પ્રકારનો ગુનો જ છે.
પવન માકન
પાક્કો ગુજરાત


