ઉત્તરાખંડની પવિત્ર ભૂમિમાં આવેલી ચારધામ યાત્રા માત્ર એક ધાર્મિક પ્રવાસ નથી, પરંતુ તે આત્મિક શાંતિ અને હિમાલયની અદભૂત પ્રાકૃતિક સુંદરતાનો અનુભવ છે
ઉત્તરાખંડની પવિત્ર ભૂમિમાં આવેલી ચારધામ યાત્રા માત્ર એક ધાર્મિક પ્રવાસ નથી, પરંતુ તે આત્મિક શાંતિ અને હિમાલયની અદભૂત પ્રાકૃતિક સુંદરતાનો અનુભવ છે. યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના દર્શન માટે દર વર્ષે લાખો ભક્તો ઉમટી પડે છે. જો તમે વર્ષ 2026માં આ યાત્રાનું વિચારી રહ્યા છો, તો કેટલીક પાયાની બાબતો જાણવી અનિવાર્ય છે.
ક્યારે શરૂ થશે યાત્રા?
વર્ષ 2026માં ચારધામ યાત્રાનો પ્રારંભ 19 એપ્રિલના રોજ અક્ષય તૃતીયાના શુભ મુહૂર્તે થશે.
યમુનોત્રી અને ગંગોત્રી: 19 એપ્રિલથી દ્વાર ખુલશે.
બદ્રીનાથ: 23 એપ્રિલના રોજ ભક્તો માટે દર્શન ખુલ્લા મુકાશે.
કેદારનાથ: આ ધામના દ્વાર ખુલવાની સત્તાવાર તારીખ મહાશિવરાત્રીના દિવસે જાહેર કરવામાં આવશે.

રજિસ્ટ્રેશનની પ્રક્રિયા
ઉત્તરાખંડ સરકાર દ્વારા યાત્રાળુઓની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે. નોંધણી વિના મુસાફરી કરવી શક્ય નથી.
- ઓનલાઈન નોંધણી (સૌથી સરળ રીત):
સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ registrationandtouristcare.uk.gov.in પર જાઓ.
મોબાઇલ નંબર દ્વારા લોગિન કરી તમારી વ્યક્તિગત વિગતો અને મુસાફરીની તારીખો ભરો.
ફોર્મ સબમિટ કર્યા બાદ રજીસ્ટ્રેશન સ્લિપની પ્રિન્ટ કાઢી લો, જે યાત્રા દરમિયાન સાથે રાખવી જરૂરી છે.
- ઓફલાઈન નોંધણી:
જે ભક્તો ઓનલાઈન સુવિધાનો ઉપયોગ નથી કરી શકતા, તેમના માટે હરિદ્વાર, ઋષિકેશ, સોનપ્રયાગ અને બારકોટ જેવા સ્થળોએ રજીસ્ટ્રેશન કાઉન્ટર રાખવામાં આવ્યા છે. ત્યાં ઓળખપત્ર (આધાર કાર્ડ વગેરે) બતાવીને નોંધણી કરાવી શકાય છે.
હેલિકોપ્ટર સેવા અને અન્ય સુવિધાઓ
વૃદ્ધો અથવા સ્વાસ્થ્યની સમસ્યા ધરાવતા લોકો માટે હેલિકોપ્ટર સેવા એક આશીર્વાદ સમાન છે. ખાસ કરીને કેદારનાથ માટે હેલિકોપ્ટરનું બુકિંગ ખૂબ વહેલું કરવું પડે છે કારણ કે તેની ટિકિટો મર્યાદિત હોય છે. આ ઉપરાંત, યાત્રા દરમિયાન ગરમ કપડાં, જરૂરી દવાઓ અને ફિટનેસનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે પહાડી વિસ્તારોમાં હવામાન ગમે ત્યારે બદલાઈ શકે છે.


