“કામ વગરનો પગાર ખપે નહીં”: સેવાનો મોકો ન મળતા ઈમાનદાર અધિકારીએ પદ ઠુકરાવ્યું, વાંચો સંઘર્ષની પૂરી કહાની
અમદાવાદ / લખનૌ
આજના સમયમાં જ્યારે ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામાન્ય બન્યા છે, ત્યારે એક એવા અધિકારીની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે જેમણે ઈમાનદારી માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું. IAS રિંકુ સિંહ રાહીએ પોતાના પદ પરથી રાજીનામું આપીને ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમના માટે પદ કરતા સિદ્ધાંતો વધુ વહાલા છે.

100 કરોડનું કૌભાંડ ખોલ્યું અને મળી 10 ગોળીઓ!
રિંકુ સિંહ રાહીના સંઘર્ષની શરૂઆત 2008માં થઈ હતી. તે સમયે તેઓ મુઝફ્ફરનગરમાં સમાજ કલ્યાણ અધિકારી (PCS) તરીકે ફરજ બજાવતા હતા. તેમણે વિદ્યાર્થીઓની સ્કોલરશિપમાં થયેલું 100 કરોડનું મોટું કૌભાંડ બહાર પાડ્યું હતું. આ ઈમાનદારીની કિંમત તેમને લોહીથી ચૂકવવી પડી. ભ્રષ્ટાચારીઓએ તેમના પર જીવલેણ હુમલો કર્યો અને 10 ગોળીઓ મારી. રિંકુ સિંહ મોતને માત આપીને જીવતા તો બચ્યા, પરંતુ તેમણે પોતાની એક આંખ ગુમાવી અને જડબું પણ તૂટી ગયું.
તંત્રનો અત્યાચાર: RTI કરી તો માનસિક હોસ્પિટલ મોકલાયા!
2012માં જ્યારે તેમણે પોતાના જ વિભાગમાં ભ્રષ્ટાચારની માહિતી માંગવા RTI કરી અને ધરણા પર બેઠા, ત્યારે તંત્રએ તેમને મદદ કરવાને બદલે પોલીસ દ્વારા પકડાવીને માનસિક હોસ્પિટલ મોકલી દીધા હતા. આટલું માનસિક અને શારીરિક શોષણ છતાં તેમણે હિંમત હારી નહીં.
સંઘર્ષનું ફળ: 2023માં UPSC પાસ કરી બન્યા IAS
તમામ મુસીબતોની વચ્ચે રિંકુ સિંહે અભ્યાસ ચાલુ રાખ્યો અને વર્ષ 2023માં UPSCની કઠિન પરીક્ષા પાસ કરીને તેઓ IAS બન્યા. તેમની નિમણૂક યુપીના પુવાયાં તહસીલમાં SDM તરીકે થઈ હતી.
એક કિસ્સો જેણે તેમની કાર્યશૈલી બતાવી
SDM તરીકે ફરજ દરમિયાન તેમણે એક વકીલના મુનશીને જાહેરમાં ગંદકી કરતા જોયા અને સજા રૂપે ઊઠક-બેઠક કરાવી. જ્યારે વકીલોએ વિરોધ કર્યો, ત્યારે રિંકુ સિંહે પોતે પણ ઊઠક-બેઠક કરીને સંદેશ આપ્યો કે નિયમ દરેક માટે સમાન છે. જોકે, આ ઘટના બાદ સરકાર દ્વારા તેમની બદલી કરી દેવામાં આવી અને તેમને કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવી નહીં.
“કામ વગરનો પગાર લેવો એ પણ ભ્રષ્ટાચાર છે”
છેલ્લા 8 મહિનાથી રિંકુ સિંહ કોઈ પણ ફિલ્ડ ડ્યુટી વગર બેઠા હતા. અંતે કંટાળીને તેમણે રાજીનામું આપતા કહ્યું કે:
“મને પગાર તો મળી રહ્યો હતો, પણ જનતાની સેવા કરવાનો મોકો નહોતો. જો હું લોકો માટે કામ જ ન કરી શકું, તો આવા અધિકારી બનવાનો કોઈ અર્થ નથી.”
આજે જ્યારે સત્તા માટે લોકો ગમે તે હદ સુધી જાય છે, ત્યારે રિંકુ સિંહ રાહી જેવા અધિકારીઓ સમાજ માટે ઈમાનદારીનું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડે છે.
વિશેષ અહેવાલ: પાક્કો ગુજરાત ન્યૂઝ ડેસ્ક


