કેરળના કોટ્ટાયમમાં રહેતા અને 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના બહાદુર સૈનિક લાન્સ હવાલદાર (નિવૃત્ત) કે.જી. જ્યોર્જનું 95 વર્ષની વયે નિધન થયું છે. શનિવારે સવારે ઉંમર સંબંધિત બીમારીઓના કારણે તેમણે પોતાના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ફેબ્રુઆરી 1931માં જન્મેલા જ્યોર્જે યુદ્ધ દરમિયાન ભારતીય સેનામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભારતીય સેનાની કોર્પ્સ ઓફ સિગ્નલ્સ યુનિટમાં તૈનાત કે.જી. જ્યોર્જે 1965ના યુદ્ધમાં અદમ્ય સાહસનો પરિચય આપ્યો હતો. 6થી 10 સપ્ટેમ્બર 1965 દરમિયાન વાઘા સેક્ટરમાં દુશ્મન દેશ દ્વારા સતત ગોળીબાર અને હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા હતા. આ ભયાનક સ્થિતિ વચ્ચે પણ તેમણે પોતાની ટીમનું નેતૃત્વ કર્યું અને ક્ષતિગ્રસ્ત થયેલી કોમ્યુનિકેશન લાઈનોને વારંવાર રીપેર કરી હતી. 8 અને 9 સપ્ટેમ્બરની રાત્રે ભારે હુમલા વચ્ચે તેમણે પોતાના જીવના જોખમે બ્રિગેડ હેડક્વાર્ટર અને સરહદ પર તૈનાત બટાલિયન વચ્ચે સંપર્ક સ્થાપિત કર્યો હતો. આ બહાદુરી માટે તેમને પ્રતિષ્ઠિત વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કે.જી. જ્યોર્જના પૌત્ર રેમો જોનના જણાવ્યા અનુસાર પરિવારના કેટલાક સભ્યો હાલ દુબઈમાં છે અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે તેઓ તાત્કાલિક ભારત પહોંચી શક્યા નથી. તેઓ મંગળવાર સુધીમાં ભારત આવે તેવી શક્યતા છે. ત્યાં સુધી તેમના પાર્થિવ દેહને સ્થાનિક મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે. પરિવારના સભ્યો પરત ફર્યા બાદ કોટ્ટાયમમાં પૂરા સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દેશની રક્ષા માટે આપેલી સેવા અને અપ્રતિમ સાહસ બદલ તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.


