પુરી જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 48 વર્ષ બાદ ફરી ખુલ્યો! જાણો 12મી સદીના સોના-ચાંદીના ખજાનાનું રહસ્ય, 3D મેપિંગ પ્રક્રિયા અને 1978 પછી પહેલીવાર થઈ રહી છે આ ઐતિહાસિક ગણતરી.
ઓડિશાના પુરીમાં સમુદ્રના મોજાંનો પગરવ અને ‘જય જગન્નાથ’ના નાદ વચ્ચે એક ઐતિહાસિક ક્ષણનો પ્રારંભ થયો છે. વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ (તિજોરી) લગભગ અડધી સદી બાદ ફરીથી ખોલવામાં આવ્યો છે. ભક્તોની અતૂટ શ્રદ્ધા અને રાજાઓના અઢળક દાનથી ભરેલા આ ખજાનાની ગણતરીની પ્રક્રિયા હવે આધુનિક ટેકનોલોજીના સથવારે શરૂ થઈ છે.
પુરીનું જગન્નાથ મંદિર ભારતમાં જ નહીં વિશ્વમાં પ્રખ્યાત છે. 48 વર્ષ પછી પુરીના જગન્નાથ મંદિરનો રત્ન ભંડારમાં અમૂલ્ય ખજાનો છે. ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર આજે ફરી ખુલી રહ્યો છે. આ તે સ્થાન છે જ્યાં સદીઓથી, ભગવાનના રત્નો, રાજાઓના દાન અને અસંખ્ય ભક્તોની શ્રદ્ધા સાચવવામાં આવી છે. આ ખજાનાની છેલ્લી ગણતરી 1978 માં કરવામાં આવી હતી. ત્યારથી, સમય વીતી ગયો છે, પેઢીઓ બદલાઈ ગઈ છે, પરંતુ રત્ન ભંડાર, તેના રહસ્યો સાથે, સીલબંધ રહ્યો છે.

મંદિર વહીવટીતંત્ર (SJTA) ના જણાવ્યા અનુસાર, રત્ન ભંડારની યાદી તૈયાર કરવાનો બીજો તબક્કો બુધવારથી શરૂ થયો છે, જે 11 એપ્રિલ 2026 સુધી ચાલશે. આ પ્રક્રિયા માટે ખાસ સમિતિની રચના કરવામાં આવી છે. ન્યાયાધીશ વિશ્વનાથ રથ અને મુખ્ય પ્રશાસક અરબિન્દા પાધીના નેતૃત્વમાં એક ટીમ કાર્યરત છે. આગામી દિવસોમાં 9, 10, 11 એપ્રિલ તેમજ 13 એપ્રિલ અને ત્યારબાદ 16 થી 18 એપ્રિલ દરમિયાન વિવિધ સત્રોમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
છેલ્લે વર્ષ 1978માં આ ખજાનાની ગણતરી કરવામાં આવી હતી. તે સમયની યાદી મુજબ રત્ન ભંડારમાં કુલ 111 કિંમતી દાગીના છે, જેમાં 78 સોનાના આભૂષણો, 33 ચાંદીના પ્રાચીન દાગીના છે. દરેક દાગીના પાછળ એક ભવ્ય ઇતિહાસ અને ભક્તોની અતૂટ આસ્થા જોડાયેલી છે. 12મી સદીથી સચવાયેલો આ વારસો આજે પણ એટલો જ સુરક્ષિત છે.
2026ના આધુનિક યુગમાં આ ખજાનાને માત્ર ગણવામાં જ નથી આવી રહ્યો, પરંતુ તેને ડિજિટલી સાચવવાની તૈયારી પણ છે. આ વખતે દરેક ઘરેણાંની હાઈ-ડેફિનેશન ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. વારસાને સુરક્ષિત રાખવા માટે 3D મેપિંગ જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. 2026ના આધુનિક યુગમાં આ ખજાનાને માત્ર ગણવામાં જ નથી આવી રહ્યો, પરંતુ તેને ડિજિટલી સાચવવાની તૈયારી પણ છે.
જગન્નાથ મંદિરનો આ અમૂલ્ય ખજાનો મુખ્ય ત્રણ શ્રેણીઓમાં વિભાજિત છે. એક આંતરિક ખંડ છે. જેમાં અહીં સદીઓ જૂના અત્યંત મૂલ્યવાન ઘરેણાં રાખવામાં આવે છે, જે ભાગ્યે જ બહાર કઢાય છે. બીજો બાહ્ય ખંડ છે. આ ખંડમાં એવા આભૂષણો છે જેનો ઉપયોગ ખાસ તહેવારો કે ઉત્સવો દરમિયાન થાય છે. અને ત્રીજો દૈનિક શણગાર છે. આમાં એવી વસ્તુઓ છે જે ભગવાનના રોજિંદા શણગાર માટે વપરાય છે.
પુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવ પણ આ ઐતિહાસિક કાર્યમાં હાજર રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રક્રિયામાં ઉતાવળ કરવાને બદલે ચોકસાઈ અને પારદર્શિતા જાળવવી વધુ મહત્વની છે. 48 વર્ષ બાદ તિજોરી ખોલવાનો મુખ્ય હેતુ આ અમૂલ્ય સંપત્તિની યોગ્ય જાળવણી અને ભવિષ્યની પેઢીઓ માટે તેનું દસ્તાવેજીકરણ કરવાનો છે. નોંધનીય છે કે આ પ્રક્રિયા દરમિયાન ભક્તો માટે મંદિરની અન્ય તમામ વિધિઓ રાબેતા મુજબ ચાલુ રહેશે, જોકે સુરક્ષાના કારણોસર દર્શન માટે અમુક મર્યાદાઓ લાદવામાં આવી છે.


