E-Paper
Friday, March 6, 2026
E-Paper
HomeIndiaNational : 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે,...

National : 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે, કેમ આ દિવસ મહત્ત્વનો છે?

સદી કરતાં પણ વધુ સમયથી વિશ્વભરના લોકો આઠમી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરે છે.

આ એક વૈશ્વિક દિવસ છે જેમાં મહિલાઓએ મેળવેલી સફળતાને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને તેની ઉજવણી કરવામાં આવે છે. તથા આ દિવસે લૈંગિક સમાનતા અને ભેદભાવ અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવે છે.

પરંતુ આ દિવસ કેમ અગત્યનો છે?

શ્રમિક ચળવળમાંથી શરૂ થયેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સ્વીકૃત વાર્ષિક ઘટના છે.

1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધારે પગાર અને મતાધિકારની માગણી સાથે ન્યૂયૉર્ક સિટીમાં કૂચ કરી, ત્યારે આ દિવસનું બીજ રોપાયું હતું.

એ દિવસે એક વર્ષ પછી અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની જાહેરાત કરી હતી.

એ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો આઇડિયા ક્લૅરા ઝૅટકિન નામનાં મહિલાનો હતો. 1910માં કૉપનહેગનમાં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સમાં ક્લૅરાએ આ વિચાર રજૂ કર્યો હતો.

એ કૉન્ફરસન્માં હાજર રહેલાં 17 દેશોનાં 100 મહિલાઓએ તે વિચારનો સર્વાનુમતે સ્વીકાર કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌથી પહેલાં 1911માં ઑસ્ટ્રિયા, ડૅન્માર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડમાં કરવામાં આવી હતી. આ દિવસની શતાબ્દીની ઉજવણી 2011માં કરવામાં આવી હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘે 1977માં ઉજવણી શરૂ કરી ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને સત્તાવાર સ્વરૂપ મળ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે 1996માં અપનાવેલી આ દિવસની સૌપ્રથમ થીમ હતીઃ ‘અતીતનો ઉત્સવ, ભાવિનું આયોજન.

શા માટે આઠમી માર્ચના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે?
ક્લૅરાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે કોઈ તારીખ નક્કી કરી ન હતી.

1917માં યુદ્ધ સમયની રશિયન મહિલાઓની ‘ભોજન અને શાંતિ’ની માગણી સાથેની હડતાળ સુધી આ દિવસનો ઔપચારિક અમલ શરૂ થયો ન હતો.

રશિયાની મહિલાઓની ચાર દિવસની હડતાળને કારણે ઝારે પદ ત્યાગવું પડ્યું હતું અને વચગાળાની સરકારે મહિલાઓને મતાધિકાર આપવો પડ્યો હતો.

રશિયામાં ત્યારે જુલિયન કેલેન્ડરનો અમલ થતો હતો. મહિલાઓની હડતાળ શરૂ થઈ ત્યારે જુલિયન કેલેન્ડરમાં 23 ફેબ્રુઆરી અને રવિવાર હતો. ગ્રૅગોરિયન કેલેન્ડરમાં એ 8 માર્ચનો દિવસ હતો. તેથી 8 માર્ચે ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વભરમાં મહિલા દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?
ઇટાલીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અથવા લા ફેસ્ટા ડેલ્લા ડોન્નાની ઉજવણી મિમોસા બ્લૉસમ આપીને કરવામાં આવે છે. આ પરંપરાના પ્રારંભનું મૂળ અસ્પષ્ટ છે, પણ તેની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ પછી રોમમાં થઈ હોવાનું માનવામાં આવે છે.

રશિયા સહિતના અનેક દેશોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાષ્ટ્રીય રજા હોય છે. ત્યાં આઠ માર્ચની આજુબાજુના ત્રણથી ચાર દિવસોમાં ફૂલોનું વેચાણ બમણું થઈ જાય છે.

ચીનમાં સ્ટેટ કાઉન્સિલની ભલામણ અનુસાર, 8 માર્ચે ઘણી મહિલાઓને અડધા દિવસની રજા આપવામાં આવે છે, પણ અનેક માલિકો મહિલા કર્મચારીઓને આ રજાનો લાભ આપતા નથી.

અમેરિકામાં માર્ચ મહિનો મહિલાઓના ઇતિહાસનો મહિનો હોય છે. અમેરિકન મહિલાઓની સિદ્ધિને દર વર્ષે રાષ્ટ્રપ્રમુખની ઘોષણા દ્વારા બિરદાવવામાં આવે છે.

સર્બિયા, અલ્બાનિયા, મૅસેડોનિયા અને ઉઝબેકિસ્તાન જેવા દેશોમાં મધર્સ ડે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એક જ દિવસે આવે છે.

જાંબલી રંગ સાથે શું સંબંધ છે?

ઇન્ટરનૅશનલ વીમેન્સ ડે વેબસાઈટ અનુસાર, જાંબલી, લીલો અને સફેદ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રંગો છે.

તેના અનુસાર, “જાંબલી એ ન્યાય અને ગૌરવનું પ્રતીક છે. લીલો રંગ આશાનું પ્રતીક છે જ્યારે સફેદ રંગ શુદ્ધતાનુ પ્રતીક છે.”

આ રંગો વીમેન્સ સોશિયલ ઍન્ડ પોલિટિકલ યુનિયન (WSPU) દ્વારા વાપરવામાં આવતા હતા. આ જૂથની સ્થાપના યુકેમાં 1903માં મહિલા મતાધિકાર માટેની લડાઈ દરમિયાન થઈ હતી.

શા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જરૂરી છે?

આયોજકો કહે છે કે આ દિવસ એ લૈંગિક સમાનતા તરફ લોકોને હાકલ કરે છે.

પણ હજુ આ દિશામાં કેટલું કામ કરવાનું બાકી છે?

ડેટા પર નજર ફેરવીએ તો યુનાઇટેડ નેશન્સે જાતીય હિંસામાં 3688 કેસનો વધારો નોંધ્યો છે. જે 2022ની સરખામણીએ 50 ટકા વધારે છે.

તેમાં 95 ટકા પીડિતો મહિલાઓ અને બાળકીઓ છે.

યુનિસેફ પ્રમાણે અંદાજે શાળાએ જવાની ઉંમર હોય તેવી 11.9 કરોડ બાળકીઓ શાળાએ જઈ શકતી નથી.

2024નો વર્લ્ડ બૅન્કનો ગ્રૂપ રિપોર્ટ નોંધે છે કે પુરુષોને જેટલા કાયદાકીય અધિકારો મળે છે તેની સરખામણીએ મહિલાઓને માત્ર બે તૃતીયાંશ અધિકારો જ મળે છે.
2024માં વિશ્વની અંદાજે અડધી વસ્તીમાં (3.6 અબજ વસ્તીમાં) ચૂંટણી થઈ હતી. પરંતુ મહિલાઓની ભાગીદારીમાં વૈશ્વિક સ્તરે છેલ્લાં 20 વર્ષમાં આ વર્ષે સૌથી ઓછો વધારો થયો હતો.

યુએન વીમેન્સ 2024 જૅન્ડર સ્નેપશોટ દર્શાવે છે કે હજુ પણ વિશ્વની તમામ મહિલાઓ અને બાળકીઓને ગરીબીમાંથી બહાર કાઢવા માટે 137 વર્ષનો સમય લાગશે.

2023ના આંકડા જોઈએ તો જેમની ઉંમર 20-24 વર્ષની હોય તેવી દર પાંચ મહિલાઓમાંથી એકનાં 18 વર્ષ પહેલાં જ લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા.

વૈશ્વિક સ્તરે 2023 દરમિયાન 51100 મહિલાઓ કે કિશોરીઓની તેમના પતિ, પાર્ટનર કે અન્ય પરિવારજનો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments