પટિયાલા હાઉસ કોર્ટે ભારત મંડપમમાં આયોજિત ‘ઈન્ડિયા-AI ઈમ્પેક્ટ સમિટ’ દરમિયાન અર્ધનગ્ન હાલતમાં સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રદર્શન કરનારા યુથ કોંગ્રેસના 4 કાર્યકરોની જામીન અરજી ફગાવી દીધી છે અને તેમને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે આ કાર્યકરો અંગે મોટો દાવો કર્યો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું કે, આ વિરોધ પ્રદર્શન નેપાળમાં થયેલા હિંસક ‘જેન-ઝી’ (Gen-Z) આંદોલનથી પ્રેરિત હતું, જેણે ત્યાંની સરકાર ઉથલાવી દીધી હતી.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ પ્રદર્શન પાછળ મોટું ષડયંત્ર હોઈ શકે છે. અદાલતમાં પોલીસે દલીલ કરી હતી કે, આરોપીઓને સામસામે બેસાડીને અને ડિજિટલ પુરાવાઓ સાથે રાખીને પૂછપરછ કરવી જરૂરી છે. સાથે જ એ તપાસ પણ થવી જોઈએ કે આ પ્રદર્શન માટે ફંડિંગ ક્યાંથી આવ્યું અને ટી-શર્ટ છપાવવાનો ખર્ચ કોણે ઉઠાવ્યો. આ ટી-શર્ટ પર ‘PM is Compromised’, ‘India-US Trade Deal’ અને ‘Epstein Files’ જેવા સૂત્રો લખેલા હતા, જેમાં વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરો પણ હતી.

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) ના લગભગ 10 કાર્યકરો શુક્રવારે ભારત મંડપમમાં પ્રવેશ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. દિલ્હી પોલીસે આ મામલે યુથ કોંગ્રેસના ચાર કાર્યકરોની અટકાયત કરી હતી અને શનિવારે સવારે તેમને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપીઓના વકીલે પોલીસના દાવાઓનો વિરોધ કરતા કહ્યું કે, પ્રદર્શન શાંતિપૂર્ણ હતું અને કોઈના પર હુમલો કરવામાં આવ્યો નહોતો. ઉલટું, પ્રદર્શનકારીઓ સાથે મારપીટ કરવામાં આવી હતી.
આ ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીખું રાજકીય યુદ્ધ છેડાયું છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ભૂપેન્દ્ર યાદવ સહિત અનેક ભાજપના નેતાઓએ યુથ કોંગ્રેસના આ કૃત્યને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય મહેમાનો સામે ભારતની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપની યુવા પાંખ BJYM એ નવી દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભિવંડીમાં રાહુલ ગાંધીને કાળા વાવટા બતાવ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસે આ પ્રદર્શનને લોકશાહી અધિકાર ગણાવીને યુથ કોંગ્રેસના કાર્યકરોનો બચાવ કર્યો હતો.


