ગુજરાતમાં છાશવારે દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળે છે. બનાસકાંઠાના પાલનપુરમાં જગાણા નજીક એક હોટેલમાં બેસીને દારુ પીવાની ના પાડતાં લુખ્ખા તત્વોએ હોટેલના પાર્લરમાં તોડફોડ કરીને 17 હજારની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં હોટેલના બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાં છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠાના પાલનપુરમાં જગાણા નજીક એક હોટેલમા કેટલાક લુખ્ખા તત્વો દારુ પીવા માટે બેઠા હતાં. હોટેલ તરફથી તેમને દારુ નહીં પીવા માટે કહેવામાં આવતાં આ લુખ્ખા તત્વોએ હોટેલના પાર્લરમાં તોડફોડ કરી હતી. આ ઉપરાંત તેમણે 17 હજારની લૂંટ ચલાવી હતી. અસામાજિક તત્વોના હુમલામાં બે હોટલ કર્મચારીઓ ઘાયલ થયા હતાં. જેમાંથી એકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
હોટેલમાં દારુ પીવાની ના પાડતાં લુખ્ખા તત્વોએ હોટેલ બાનમાં લીધી હતી. તેમણે હુમલો કરતાં બે કર્મચારીઓને ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના હોટેલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યાર બાદ હોટેલના માલિકે પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.