E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratPatan : હારીજ-રાધનપુર હાઈવે પર લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બેના...

Patan : હારીજ-રાધનપુર હાઈવે પર લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બેના મોત

હારીજમાં લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક્ટિવાને ટક્કર માર્યા બાદ લક્ઝરી બસ હાઈવે પર જ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.

ઉત્તર ગુજરાતના માર્ગો ફરી એકવાર લોહીલુહાણ થયા છે. હારીજ પાસે આવેલી આઈટીઆઈ (ITI) નજીક એક લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે એક્ટિવાને ટક્કર માર્યા બાદ લક્ઝરી બસ હાઈવે પર જ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક્ટિવા ચાલક અને બસમાં સવાર એક મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

મળતી વિગતો મુજબ, આ લક્ઝરી બસમાં સવાર મુસાફરો શંખેશ્વર ખાતે આયોજિત પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. ખુશીના માહોલમાં ઘરે પરત ફરી રહેલા આ શ્રદ્ધાળુઓ-મુસાફરો માટે હારીજ પાસેનો આ માર્ગ કાળમુખો સાબિત થયો હતો. અચાનક એક્ટિવા સામે આવી જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી. બસ પલટી જવાથી તેમાં સવાર અંદાજે 20થી 25 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની જાણ થતા જ હારીજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે અને અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર બસ પલટી જવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને ક્રેન દ્વારા બસ ખસેડીને પૂર્વવત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments