પોરબંદરની જે.એન. રૂપરેલ સ્વામિનારાયણ MBA કોલેજની ગંભીર બેદરકારી સામે આવતા 42 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. વિગતો મુજબ, GTU (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી) દ્વારા લેવામાં આવતી પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા માટે કોલેજ વહીવટી તંત્ર દ્વારા આ વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરવામાં આવ્યા ન હતા. પરીક્ષાનો સમય નજીક આવતા જ્યારે વિદ્યાર્થીઓને જાણ થઈ કે તેઓ પરીક્ષા આપી શકશે નહીં, ત્યારે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. કોલેજના પ્રિન્સિપાલે પોતાની વહીવટી ભૂલ સ્વીકારી લીધી છે, પરંતુ આ ભૂલને કારણે વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ ઘટનાને પગલે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ કોલેજ કેમ્પસમાં પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. વાલીઓનો આક્ષેપ છે કે મોટી ફી ઉઘરાવતી કોલેજો જ્યારે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા જેવી પાયાની જવાબદારીમાં ભૂલ કરે ત્યારે તેની સજા વિદ્યાર્થીઓએ કેમ ભોગવવી? હાલમાં 42 વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહેતા તેમનું શૈક્ષણિક વર્ષ બરબાદ થવાની ભીતિ છે. કોલેજ સત્તાધીશો હવે યુનિવર્સિટી સાથે વાતચીત કરીને કોઈ વચગાળાનો રસ્તો કાઢવાની ખાતરી આપી રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓમાં હજુ પણ ભારે અનિશ્ચિતતા અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે.


