આ મકર સંક્રાંતિ પર બજાર જેવી જ કડક અને સ્વાદિષ્ટ રાજગરા ચીક્કી ઘરે બનાવવાની સૌથી સરળ રીત જાણો. રાજગરો પોષક તત્વોથી ભરપૂર અને પચવામાં હલકો હોય છે.
મકર સંક્રાંતિનો તહેવાર આવતા જ દરેક ગુજરાતી ઘરમાં તલ અને ગોળની સુગંધ પ્રસરી જાય છે. ઉત્તરાયણ પર આપણે અવનવી ચીક્કીઓનો આનંદ માણીએ છીએ. સામાન્ય રીતે આપણે તલ, સીંગ કે બદામની ચીક્કી ખાતા હોઈએ છીએ, પરંતુ શું તમે ક્યારેય રાજગીરા ચીક્કી ટ્રાય કરી છે. રાજગરો પોષક તત્વોથી ભરપૂર અને પચવામાં હલકો હોય છે. રાજગરાના લાડુ તો તમે ખાધા જ હશે, પણ આ વખતે પતંગબાજીની મજા સાથે કંઈક નવું અજમાવો. આ મકર સંક્રાંતિ પર બજાર જેવી જ કડક અને સ્વાદિષ્ટ રાજગરા ચીક્કી ઘરે બનાવવાની સૌથી સરળ રીત જાણો.
રાજગરાની ચીક્કી બનાવવાની સામગ્રી :
1 કપ – રાજગરા
અડધો કપ – ગોળ
1-2 ચમચી ઘી
કાજુ, બદામ, કિસમિસ

રાજગીરા ચીક્કી બનાવવાની રીત :
મકરસંક્રાતિ પર ખવાતી રાજગરાની ચીક્કી બનાવવા રીત બહુ સરળ છે. ઓછી સામગ્રીમાંથી બનતી આ વાનગી હેલ્થ માટે ફાયદાકારક છે. રાજગરાની ચિક્કી બનાવવા માટે પહેલા એક પેનમાં રાજગરો ઉમેરી ધીમા તાપે 2-3 મિનિટ સુધી હળવેથી શેકો. પછી શેકેલા રાજગરાને બાજુ પર રાખી એક તપેલીમાં અડધો કપ ગોળ અને 2-3 ચમચી પાણી ઉમેરો. ધીમા તાપે ગરમ કરો અને ગોળને સંપૂર્ણપણે ઓગળી જવા દો. ગોળની ચાસણી બનાવતી વખતે, તેને ખૂબ હલાવો, નહીં તો તે ઝડપથી ઘટ્ટ થઈ જશે. જ્યારે ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય અને થોડી ચીકણી ચાસણી બને, ત્યારે શેકેલા રાજગરોને ઉમેરી સારી રીતે મિક્સ કરો. રાજગરો અને ગોળનું મિશ્રણ ઓવરકોટ થઈ જશે. હવે એક પ્લેટ પર ઘી લગાવો, પછી મિશ્રણને ઝડપથી ફેલાવો અને રોલિંગ પિન અથવા ચમચીનો ઉપયોગ કરીને તેના પાતળા ગોળા બનાવો. અથવા તમે તેને ચિક્કીનો આકાર પણ આપી શકો છો. તૈયાર કરેલી ચીક્કીને ઠંડી થવા દો. જેમ જેમ તે ઠંડુ થશે તેમ તેમ તે કડક અને કરકરી બનશે. તમારી મકરસંક્રાંતિ સ્પેશિયલ રાજગીરા ચિક્કી તૈયાર છે.


