રાજકોટના ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે 14 વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામેથી એક અત્યંત કરૂણ ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જ્યાં ધોરણ 6 માં અભ્યાસ કરતી એક માસૂમ કિશોરીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉમરકોટ ગામમાં રહેતી 14 વર્ષીય સગીરાએ કોઈ અજાણ્યા કારણોસર પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સગીરા ધોરણ 6 માં અભ્યાસ કરતી હતી અને હજુ તો તેની ઉંમર માત્ર 14 વર્ષની જ હતી. નાની ઉંમરે સગીરાએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે જાણી શકાયું નથી.

ઘટનાની જાણ થતા જ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સગીરાના મૃતદેહને તાત્કાલિક ધોરણે પોસ્ટ મોર્ટમ અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ ધોરાજી તાલુકા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સગીરાની આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા પાછળ કયું કારણ જવાબદાર છે તે હજુ રહસ્ય અકબંધ છે.


