સૌરાષ્ટ્રના દરિયામાંથી ડ્રગ્સનો કરોડો રૂપિયાનો જથ્થો મળી આવવાનો સિલસિલો ફરી ચાલુ થઈ ગયો છે. કચ્છ અને ગીર સોમનાથ બાદ હવે દ્વારકા જિલ્લાના સંવેદનશીલ દરિયાકિનારે બીનવારસુ હાલતમાં માદક દ્રવ્યોનો જથ્થો મળતા પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. જેમાં કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગઈકાલે ગુરૂવારે સ્થાનિક પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નશાકારક પદાર્થનો જથ્થો સાંપળ્યો છે. આ પ્રકરણમાં પોલીસે 13.239 કિલોગ્રામના 10 પેકેટ ચરસનો જથ્થો બિનવારસુ હાલતમાં જપ્ત કરી, કુલ રૂપિયા 6.62 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પીઆઈ એમ.ડી. મકવાણાના માર્ગદર્શન હેઠળ ભાટિયા આઉટ પોસ્ટ હેઠળ આવતા દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન કલ્યાણપુરથી આશરે 39 કિલોમીટર દૂર આવેલા ગોજીનેસ ગામની સીમના દરિયાકાંઠા પર ગુગળિયા બારૂ વિસ્તારમાં પહોંચતા પોલીસ સ્ટાફને બિનવારસુ હાલતમાં કેટલાક પેકેટ મળી આવ્યા હતા. અહીં કાપડની બેગ વાળા પેકિંગના અલગ અલગ કુલ 10 પેકેટને ખોલીને જોતા તેમાં માદક પદાર્થ હોવાનું ખુલવા પામ્યું હતું.
જેથી ‘અફઘાન પ્રોડક્ટ’ લખેલા 1200 ગ્રામ વજનનાં કેફી ચરસનાં 10 પેકેટ બિનવારસુ હાલતમાં કબજે લઈને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. આ સ્થળેથી રૂપિયા 6.61 કરોડની કિંમતનો 13.239 કિલોગ્રામ ચરસનો જથ્થો મળ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી, ચરસનો આ જથ્થો મોકલનાર તેમજ મંગાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. જેમાં કોઈ શખ્સો પોતાના અંગત ફાયદા માટે માદક પદાર્થ ચરસની હેરાફેરી કરીને કોઈપણ કારણોસર દરિયામાં અથવા દરિયા કાંઠે પકડાઈ જવાના ડરથી આ જથ્થો ત્યજી દીધો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.