રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકામાં મામલતદાર અને પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ગેસ સિલિન્ડરના વેચાણ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે, મામલતદારની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને એક કરિયાણાની દુકાનમાં ઓચિંતી રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન દુકાનમાંથી મોટા પ્રમાણમાં ગેસના ખાલી બાટલાઓનો જથ્થો મળી આવતા પંથકના કાળાબજારિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
42 ગેસના સિલિન્ડર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી
આ દરોડા દરમિયાન પુરવઠા વિભાગની ટીમે સ્થળ પરથી કુલ 42 નંગ ખાલી ગેસ સિલિન્ડર કબજે કર્યા હતા. આ જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ.48,050 આંકવામાં આવી છે. નિયમ મુજબ ગેસ એજન્સી સિવાય અન્ય કોઈ પણ વ્યાપારી સ્થળે આટલી મોટી સંખ્યામાં સિલિન્ડર રાખવા કે તેનું વેચાણ કરવું એ કાયદેસરનો ગુનો બને છે, જેના પગલે તંત્ર દ્વારા તમામ બાટલાઓ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તંત્ર દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીને પગલે ગેરકાયદેસર રીતે ગેસનું રીફીલીંગ કે વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. મામલતદાર કચેરી દ્વારા હાલ આ મામલે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે કે આટલો મોટો જથ્થો કઈ એજન્સીમાંથી કે કયા સ્ત્રોત દ્વારા દુકાનદાર સુધી પહોંચ્યો હતો. આગામી દિવસોમાં આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય શખ્સો સામે પણ કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.


