જેતપુર: 31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. (LCB) પોલીસે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવતા જેતપુરમાં એક મોટી કાર્યવાહી પાર પાડી છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જી.આઈ.ડી.સી. પાછળના ખુલ્લા મેદાનમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ પોલીસે ત્રાટકીને કુલ ₹99,61,799 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના હેંડ કોન્સ્ટેબલ નિલેશ ડાંગર, રાજુ સાંબડા, હરેશ પરમાર, દિવ્ય સુવા,મિરલ ચંદ્રવાડીયાને બાતમી મળી હતી કે, રાજકોટનો બુટલેગર ધવલ રસિકભાઈ સાવલીયા જેતપુરના રબારીકા રોડ પર જી.આઈ.ડી.સી. પાછળ ખુલ્લા મેદાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા દારૂનું કટિંગ કરી રહેલા શખ્સોમાં ફાળફાળ મચી ગઈ હતી.
પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બિયરના ટીન મળી કુલ 6492 નંગ જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂને છુપાવવા માટે ‘કવરિંગ’ના બાચકાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:
વિદેશી દારૂ/બિયર: ₹61,04,280 (6492 બોટલ) એક ટ્રક, એક ટાટા ઈન્ટરા, એક બોલેરો પીકઅપ અને એક નંબર વગરનું સ્પ્લેન્ડર બાઈક, ₹6.37 લાખના કવરિંગના બાચકાઓ. સહિત કુલ કિંમત ₹99,61,799 નો મુદ્દા માલ કબજે કર્યો છે.
પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર ધવલ સાવલીયા સહિત ટ્રક અને પીકઅપ ગાડીઓના ચાલકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. રેડ દરમિયાન કેટલાક શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. એફ.એ. પારગી, પી.એસ.આઈ. આર.વી. ભીમાણી, એચ.સી. ગોહીલ અને તેમની ટીમ જોડાઈ હતી.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર


