થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને બુટલેગરો દારૂની રેલમછેલ કરવા માટે મોટાપાયે સક્રિય થઇ ગયા છે. જેના કારણે છેલ્લા કેટલાક સમયથી મોટાપાયે દારૂનો જથ્થો પકડાઇ રહ્યો છે. જો કે કેટલો જથ્થો પકડાતો નથી તે વિશે સવાલો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ગઇકાલે ટંકારામાંથી રૂા. ૪૨ લાખનો દારૂ ઝડપી લીધો હતો.

એસએમસીના પીએસઆઈ કે.એચ. ઝણકાટે મળેલી બાતમીના આધારે ટંકારાના ટીંબડીથી બંગાવડી તરફ જતા ટ્રકનો પીછો કરી તેને અટકાવી તલાશી લેતા અંદરથી જુદી-જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની ૩૦૭૨ બોટલ મળી આવી હતી. તે સાથે જ રાજસ્થાનના બ્યાવરના ટ્રકચાલક વિજયસિંહ ચૌહાણ અને ટ્રકમાં બેઠેલા દારૂ મંગાવનાર યશપાલસિંહ ધનુભા જાડેજા (રહે. ખાનપર, તા. ટંકારા)ને ઝડપી લીધા હતા.આ સાથે ટ્રક, દારૂ, મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂા. ૬૨.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસએમસીએ દારૂનો જથ્થો મોકલનાર હરિયાણાના સંદીપ સાંઘવાલ ઉર્ફે ઋત્વીક, ઝડપાયેલા યશપાલસિંહના પાર્ટનર બ્રિજરાજસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજા (રહે. પીઠડ, તા. જોડિયા), હરિયાણાના પુનિત, દારૂ ભરેલા ટ્રકનું ક્રેટામાં પાયલોટિંગ કરનાર ડ્રાઇવર અને તેના માલિક, દારૂનો જથ્થો લેવા આવેલા જંગલેશ્વરના સલીમ કાદરી અને અયુબ શેખ ઉપરાંત ટ્રકના માલિકને વોન્ટેડ દર્શાવ્યો હતો.
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ આ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલો યશપાલસિંહ ટ્રકમાં બેસી કટિંગના સ્થળે જઇ રહ્યો હતો. આ ટ્રકનું આગળ ક્રેટા કાર દ્વારા પાયલોટિંગ થતું હતું.


