રાજકોટ શહેરના હાર્દ સમાન શાસ્ત્રી મેદાન વિસ્તારમાં એક યુવક અને યુવતી વચ્ચે જાહેરમાં થયેલી મારામારીની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કોઈ અંગત અદાવત કે બોલાચાલી બાદ યુવતીએ ઉશ્કેરાઈને યુવક પર હુમલો કરી દીધો હતો. યુવતીએ જાહેરમાં યુવકના વાળ પકડીને તેને માર માર્યો હતો. આ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા માટે રસ્તા પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, પરંતુ કોઈ વચ્ચે પડવાની હિંમત કરી શક્યું નહોતું. આ સમગ્ર ઘટના નજીકમાં ઉભેલા કોઈ શખ્સે મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી.

આ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ રાજકોટ પોલીસ એક્શનમાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રેમ પ્રકરણ અથવા લેતી-દેતીનો ઝઘડો હોવાનું મનાઈ રહ્યું છે, જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી મળી નથી. પોલીસે વીડિયોના આધારે ઘટનાસ્થળની ઓળખ કરી છે અને યુવક-યુવતી કોણ છે તેની વિગતો મેળવવા તપાસ તેજ કરી છે. જાહેર માર્ગો પર આ પ્રકારે કાયદો હાથમાં લેનારા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.


