આપણે ત્યાં તહેવાર અને પ્રસંગોમાં ખાસ વાનગી બનાવવાની પરંપરા છે. મોટાભાગે મહેમાન આવે ત્યારે મીઠાઈની સાથે શું બનાવવું તેને લઈને મૂંઝવણ હોય છે. મહેમાનોને હેલ્ધી વાનગી આપવા તમે સ્વાદિષ્ટ અને સુગંધિત ભાતની વાનગી બનાવી શકો છો. વટાણા, ગાજર, કઠોળ, કાજુમાંથી બનતો નવરત્ન પુલાવ ખાઈ મહેમાનો આંગળા ચાટતા રહી જશે. ખાસ પ્રસંગો, તહેવારો અથવા મહેમાનો માટે આ વાનગી શ્રેષ્ઠ વિકલ્પ છે. રાયતા અથવા સલાડ સાથે ખાવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગશે.
નવરત્ન પુલાવ બનાવવા માટેની સામગ્રી
1 કપ – બાસમતી ચોખા – (20 મિનિટ પલાળવા)
2 ચમચી – ઘી
1/2 કપ – વટાણા
1/2 કપ – ગાજર
1/2 કપ – મિક્સ કઠોળ
1/4 કપ – કેપ્સિકમ
2 કપ – પાણી
1 – તમાલપત્ર
½ ચમચી – જીરું
1 તજનો ટુકડો
2 લીલી એલચી
3 -4 લવિંગ
10 કાજુ
1 ચમચી કિસમિસ
મીઠું – સ્વાદ મુજબ
8-10 તાર કેસર

નવરત્ન પુલાવ બનાવવાની સરળ રીત
સ્વાદિષ્ટ પુલાવ બનાવવા માટે પહેલા એક પેન અથવા પ્રેશર કુકરમાં1 ચમચી ઘી ગરમ કરી કાજુ અને કિસમિસને હળવા સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળો. પછી ડ્રાયફ્રૂટને એક વાસણમાં કાઢી લો. ત્યાબાદ એક પેનમાં ઘી નાખી જીરું, તમાલપત્ર, તજ, એલચી અને લવિંગ ઉમેરો.સુગંધ આવે ત્યારે તેમાં શાકભાજી ઉમેરો અને 2 મિનિટ સુધી હલાવો. હવે તેમાં પલાળેલા ચોખા ઉમેરો અને તેને હળવા હાથે મિક્સ કરો. બાદમાં મીઠું, ખાંડ અને કેસરવાળું દૂધ ઉમેરો પછી તેમાં જરૂરી પાણી ઉમેરો, ઢાંકી દો અને ધીમા તાપે રાંધો. (જો તમે પ્રેશર કુકરમાં બનાવો તો 1 સીટી વગાડો.) ભાત ચઢી જાય પછી ગેસ બંધ કરી તેમાં તળેલા કાજુ અને કિસમિસ ઉમેરો.


