ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તાપમાનનો પારો 35ને પાર થવા લાગ્યો છે. દેશભરમાં ઉનાળાના આકરો તડકો પડતા જ લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. પરંતુ આ દિવસોમાં અનેક સ્થાનો પર શાળામાં વેકેશનનો માહોલ હોય છે. બાળકોની શાળામાં રજા હોવાથી લોકો સંબંધીઓના ઘરે ફરવાનો પ્લાન બનવાતા હોય છે. ગરમીના દિવસોમાં સાંજના સમયે અચાનક મહેમાનોનું આગમન થાય તો તેમને શું આપવું તેને લઈને તમે પરેશાન છો, તો હવે તમારી સમસ્યાની આ સરળ ટીપ્સ તમને જણાવીશું. ઉનાળામાં જયારે પણ ઘરે મહેમાન આવી જાય તો તમે આ સ્પેશિયલ ડ્રિંક્સથી તેમનું સ્વાગત કરી શકો છો.
સામાન્ય રીતે ભારતીયો કોઈના પણ ઘરે જાય ત્યારે તેમનું ચા અથવા કોફી થી સ્વાગત કરવામાં આવે છે. પરંતુ ગરમીના દિવસોમાં ઘણા લોકોને ચા-કોફી જેવા પીણાં એસિડીટી કરે છે. આથી આ દિવસોમાં શરીરને ઠંડક આપે તેવા પીણાં પીવા જોઈએ. બજારના સોફ્ટ ડ્રિંક્સના બદલે તમે ઘરે આવતા મહેમાનને આ સ્પેશિયલ ડાર્ક ચોકલેટની સ્મૂધી આપી શકો છો. તે ફક્ત બાળકોને જ નહીં પણ મોટાઓને પણ ખૂબ પસંદ આવશે. કારણ કે કોઈપણ ઉંમરની વ્યક્તિ હોય તેમને ચોકલેટ ખાવું પસંદ હોય છે. ડાર્ક ચોકલેટ સ્મૂધી બનાવવાની આ સ્ટેપ-બાય-સ્ટેપ રીત નોંધી લો.

મહેમાનના વેલકમ માટે ડાર્ક ચોકલેટ સ્મૂધી એક બેસ્ટ ઓપ્શન છે. તે માત્ર 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને પીવામાં ખૂબ જ ટેસ્ટી અને રિફ્રેશિંગ લાગે છે.
ડાર્ક ચોકલેટ સ્મૂધી બનાવવા માટે સામગ્રી
2 કપ – દૂધ (ઠંડુ કરેલું)
50 ગ્રામ – ડાર્ક ચોકલેટ (ચોપ્ડ કરેલી અથવા પાવડર)
2 નંગ – કેળા
2 ચમચી – મધ અથવા સાકર
4-5 નંગ – બરફના ટુકડા
ગાર્નિશિંગ માટે: ચોકલેટ ચિપ્સ અથવા ડ્રાય ફ્રૂટ્સ
ડાર્ક ચોકલેટ સ્મૂધી બનાવવાની રીત:
ડાર્ક ચોકલેટ સ્મૂધી બનાવવા માટે સૌ પહેલા કેળાની છાલ ઉતારી તેના ટુકડા કરી લો. ડાર્ક ચોકલેટને નાના ટુકડામાં કાપી લો અથવા તેને ગરમ દૂધમાં ઓગાળી લો (ગણતરીની સેકન્ડો માટે). હવે એક મિક્સર જારમાં ઠંડુ દૂધ, કેળાના ટુકડા, ડાર્ક ચોકલેટ અને મધ ઉમેરો. તેમાં બરફના ટુકડા ઉમેરીને મિક્સરને ૨-૩ મિનિટ સુધી સરસ રીતે બ્લેન્ડ કરો જ્યાં સુધી મિશ્રણ એકદમ ક્રીમી અને સ્મૂધ ન થઈ જાય. તૈયાર સ્મૂધીને કાચના ગ્લાસમાં કાઢો. ઉપરથી થોડી ચોકલેટ ચિપ્સ અથવા બદામની કતરણ ભભરાવો. મહેમાનો ડાયેટ પ્રત્યે સભાન હોય, તો તમે મધને સ્કીપ કરી શકો છો કારણ કે કેળા અને ડાર્ક ચોકલેટમાં પોતાની મીઠાશ હોય જ છે.


