સાબરકાંઠાના પ્રાંતિજમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે 5.177 કિલો ગ્રામ ગાંજાના જથ્થા સાથે માલજી બુબડીયાની ધરપકડ કરી છે. આ કેસમાં એક સગીર સામે પણ કાર્યવાહી કરાઈ છે.
ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ની ટીમ દ્વારા બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ગાંજાના મોટા જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સોની શોધખોળ તેજ કરી છે.એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે હાથ ધરેલી તપાસમાં પ્રાંતિજ વિસ્તારમાંથી કુલ 5.177 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. આ જથ્થાની કિંમત બજારમાં લાખો રૂપિયા આંકવામાં આવી રહી છે. ટાસ્ક ફોર્સની આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી માલજી બુબડીયાની સ્થળ પરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરની સંડોવણી પણ સામે આવી છે, જેની વિરૂદ્ધ પણ નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ નશીલા પદાર્થનો જથ્થો ભુજના વીરા પઠાણ નામના કુખ્યાત ગાંજા સપ્લાયર દ્વારા મોકલવામાં આવ્યો હતો. હાલમાં વીરા પઠાણ પોલીસ પકડથી દૂર હોવાથી તેને ફરાર જાહેર કરી, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા તેને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ રેકેટ પાછળ અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને આ માલ ક્યાં સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


