ભારત-સાઉથ આફ્રિક વચ્ચે રમાયેલી વનડે સીરિઝમાં ભારતીય ટીમે 2-1થી જીત હાંસલ કરી. આ સીરિઝ જીતના હીરો વિરાટ કોહલી અને રોહિત શર્મા રહ્યા. વિરાટ કોહલી અને રોહિત શર્માએ મળીને દક્ષિણ આફ્રિકા સામે ODI સીરિઝમાં 448 રન બનાવ્યા હતા.
રોહિત શર્મા આજકાલ ખૂબ જ ફિટ દેખાઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે ટીમ માટે મહેનત કરવા છતાં રોહિત શર્મા શારીરિક રીતે ફિટ દેખાતો ન હતો. હવે, તે બંને પાસાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં તેની બહુપ્રતિક્ષિત વાપસી પહેલા લગભગ 10 કિલો વજન ઘટાડ્યા પછી, રોહિતે તેની ફિટનેસ સફર ચાલુ રાખી છે અને 2027 ના ODI વર્લ્ડ કપ સુધી તેની કારકિર્દી લંબાવવા માટે પહેલા કરતાં વધુ મહેનત કરી રહ્યો છે.

વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં ભારતની શાનદાર જીત બાદ, ટીમે હોટલમાં કેક કાપીને ઉજવણી કરી. વિરાટ કોહલીને કેક કાપવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે યશસ્વી જયસ્વાલને તક આપી, જેણે રન-ચેઝ પૂર્ણ કરવા માટે પોતાની પ્રથમ સદી ફટકારી હતી. જયસ્વાલે ખુશીથી કેક કાપી અને કોહલી સાથે ઉજવણી કરી, જેણે ખૂબ જ નાનો ટુકડો ખાધો. ત્યારબાદ તેણે રોહિત શર્માને કેક ઓફર કરી. પરંતુ, રોહિત શર્માએ ખૂબ રમતિયાળ રીતે જવાબ આપ્યો અને એક બાઇટ લેવાને બદલે કહ્યું, “તું ખાઇ લે, હું ફરીથી જાડો થઈ જઈશ.”
મેદાન પર, રોહિત ભારતની વાદળી જર્સીમાં પાછા ફર્યા પછી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આઠ મહિનાથી વધુ સમય પછી સ્પર્ધાત્મક ક્રિકેટ રમીને, રોહિતે ઓસ્ટ્રેલિયામાં 101ની સરેરાશથી 202 રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો. ત્યારબાદ, દક્ષિણ આફ્રિકા સામેની ડોમેસ્ટિક સીરિઝમાં, રોહિતે વધુ બે અડધી સદી ફટકારી. આ સમયગાળા દરમિયાન, રોહિતે વિશાખાપટ્ટનમમાં ભારત માટે 20,000 રનના ક્લબમાં પણ પ્રવેશ કર્યો.


