ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 વર્ષ પૂર્ણ થવા પર પ્રતિક્રિયા આપી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10 વર્ષ પૂર્ણ થતાં હાર્દિક પંડ્યાએ ભાવુક થતાં કહ્યું કે, આ તો બસ શરૂઆત છે. હજુ આ રસ્તે ચાલવાનું શરૂ કરી રહ્યો છું, જે સપનું નાનપણમાં જોયું હતું.
હાર્દિકે 26 જાન્યુઆરી, 2016ના રોજ એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે ODIમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રજાસત્તાક દિવસે ડેબ્યૂ કરવું તેના માટે ખૂબ જ ખાસ ક્ષણ હતી. હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર લખતા કહ્યું કે, ‘10 વર્ષની સફર અને હું 33 વર્ષનો થયો છું. દેશની સેવા કરવી અને રમવું બંને મારા માટે ગર્વની વાત છે. તમારા બધા તરફથી મળેલા પ્રેમ માટે હું ખૂબ આભારી છું. મને અહીં સુધી પહોંચાડનાર મુશ્કેલીઓ, ઘણા લોકોએ મારા પર વિશ્વાસ કરીને મને આપેલી તકો અને મને મળેલી જીવન જીવવાની તક માટે હું ભગવાનનો આભારી છું. આ વર્ષે મને શીખવ્યું છે કે આ ફક્ત શરૂઆત છે. હું ફક્ત તે માર્ગ પર શરૂ કરી રહ્યો છું જેના પર હું ખરેખર ચાલવા માગુ છું.’
હાર્દિક પંડ્યાએ બાળપણમાં કરેલી મહેનત યાદ કરતાં જણાવ્યું કે, ‘જો હું પાછળ વળીને જોવું છું તો વડોદરાનો એ યુવા હાર્દિક યાદ આવે છે, જે રમવા માટે થોડા વધારાના માઇલ દોડતો હતો. એક એવો બેટ્સમેન જેણે નેટમાં વધુ બોલ ફેંક્યા, કારણ કે તેને બેટિંગ પ્રેક્ટિસ કરવાની તક મળી ન હતી. 19 વર્ષની ઉંમરે ઓલરાઉન્ડર બનવું, ક્યારેક ઓળખાયું, ક્યારેક નકાર્યો, અને પછી આખરે મારા દેશ માટે રમવાની તક મળી. આ મારા જીવનની સૌથી મૂલ્યવાન સફર રહી છે.’

આ ઉપરાંત તેણે લખ્યું કે, ‘26 જાન્યુઆરીના દિવસે જ્યારે મને ડેબ્યુ કરવાનો મોકો મળ્યો, એ ભગવાને મારા માટે મોટો પ્લાન બનાવ્યો હતો. હું આ રમત રમતા મોટો થયો છું, અને આ રમત રમીને હું વૃદ્ધ થઈશ.’
ભારતની જીતમાં અગત્યની ભૂમિકા
હાર્દિક પંડ્યાએ ભારતની વ્હાઈટ-બોલ ક્રિકેટમાં અનેક મોટી જીતમાં યોગદાન આપ્યું છે. તેણે વર્ષ 2024માં T20 વર્લ્ડ કપ અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતમાં નિર્ણાયક ભૂમિકા નીભાવી છે. 2024માં T20 વર્લ્ડ કપમાં હાર્દિકે 6 ઈનિંગ્સમાં 144 રન કર્યા અને 11 વિકેટ લીધી હતી. ફાઈનલમાં હાર્દિકે છેલ્લી ઓવરમાં ડેવિડ મિલરની વિકેટ લઈને ભારતને જીત અપાવી હતી.
કરિયરના આંકડા
વનડે: 94 મેચ, 1,904 રન (68 ઇનિંગ્સ), સરેરાશ 32.82, સ્ટ્રાઇક રેટ 110.89, 11 અડધી સદી, બેસ્ટ સ્કોર 92, 91 વિકેટ (સરેરાશ 35.50)
T20I મેચ: 127 મેચ, 2,027 રન, સરેરાશ 28.54, સ્ટ્રાઇક રેટ 143+, 7 અડધી સદી, બેસ્ટ સ્કોર 71
ટેસ્ટ: 18 ઇનિંગ્સ, 532 રન, સરેરાશ 31.29, 1 સદી અને 4 અડધી સદી, બેસ્ટ સ્કોર 101, 17 વિકેટ (સરેરાશ 31.05), બેસ્ટ બોલિંગ 5/28


