સુપર-8માં સાઉથ આફ્રિકા સામે 76 રને ભારતીય ટીમની હાર થઈ. ટીમ મેનેજમેન્ટ એક આઉટ-ઑફ-ફોર્મ બેટરને બહાર કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. તેવામાં સાઉથ આફ્રિકા સામે પરાજય બાદ સ્ટાર ખેલાડીઓનું ટીમ ઈન્ડિયામાંથી પત્તું કપાઈ શકે છે. આ મામલે મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સહાયક કોચ રેયાન ટેન ડેશકાટે અને બેટર કોચ સિતાંશુ કોટક સંકેત આપ્યા છે કે, આગામી મેચમાં પ્લેઈંગ-11માં ફેરફાર થશે. ભારતને હવે સુપર-8માં 26 ફેબ્રુઆરીએ જિમ્બાબ્વે સામે ચેન્નાઈમાં અને 1 માર્ચે કોલકાતામાં વેસ્ટઈન્ડીઝ સામે રમશે.
સુપર-8માં સાઉથ આફ્રિકા સામે હાર બાદ ટોપ ઓર્ડરને લઈને સવાલો ઉઠ્યા છે. અભિષેક શર્માએ ચાર મેચમાં માત્ર 15 રન કર્યા છે. તિલક વર્માએ 5 મેચમાં 107 રન છે, પરંતુ સ્ટ્રાઈક રેટ 118 છે. ફિનિશર રિંકુ સિંહએ 29 બોલમાં 24 રન કરવાની સાથે 82.75 સ્ટ્રાઈક રેટ છે. તેવામાં ટીમ મેનેજમેન્ટ પાસે ફેરફારને લઈને વિચાર કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.
બેટર કોચ સિતાંશુ કોટકે સ્પષ્ટ કહ્યું કે, ‘જો હેડ કોચ અને ટીમ મેનેજમેન્ટને લાગે છે કે આપણે કાંઈક અલગ કરવું પડશે તો અમે ફેરફાર કરીશું. અત્યારે આપણે વિચારવું પડશે કે શું બદલીએ અને કઈ રીતે. આમ, એ નક્કી કરવું પડશે કે પહેલાની ટીમ પ્રમાણે ચાલીએ કે કોઈ નવી યોજના બનાવીએ.’

સહાયક કોચ રેયાન ટેન ડેશકાટેએ સંકેત આપ્યા કે, ડાબા-જમણા હાથના બેટરના સંતુલન પર પણ ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું કે, ‘ છેલ્લા 18 મહિનામાં સારું પ્રદર્શન કરનારા ખેલાડી સાથે કન્ટીન્યૂ કરીએ કે પછી સંજુને મોકો આપીએ. સંજુ એક શાનદાર ખેલાડી છે અને તે ટોપ ઓર્ડરમાં જમણા હાથનો વિકલ્પ છે. આગામી બે મેચ પહેલા આ મામલો ચોક્કસપણે ચર્ચાનો વિષય રહેશે.’
ડેશકાટેના નિવેદન બાદ સંભાવના છે કે, સુપર-8ની આગામી બે મેચમાં અભિષેક કે તિલકની જગ્યાએ સંજુ સેમસનને ફરી એકવાર પ્લેઈંગ-11માં સામેલ કરી શકે છે. ટીમમાં બેકઅપ બેટરની અછત પણ ચિંતાનો વિષય છે. જમણા હાથના બેટરને સામેલ કરી ટોપ ઓર્ડરની એકરૂપતા તોડી શકાશે. રિંકુ સિંહને લઈને સહાયક કોચે કહ્યું કે, ‘7-8 નંબર પર બેટિંગ કરવી એ મુશ્કેલ છે. રિંકુને વધુ મોકો નથી મળ્યો, પરંતુ હવે સમય પ્રદર્શનનો છે.’
ટેન ડેશકાટેએ અભિષેકની તૈયારીઓ પર પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું, ‘હું અભિષેક માટે બહાનું નહીં બનાવું, પરંતુ ફૂડ પોઇઝનિંગથી તેની તૈયારીઓ પર અસર પડી છે. જ્યારે તમે ત્રણ વખત શૂન્ય પર આઉટ થાઓ છો, ત્યારે દબાણ વધવું સ્વાભાવિક છે. તિલક વર્મા પણ અપેક્ષા મુજબ સારો સ્કોર કરી રહ્યો નથી.’ જ્યારે કોચ સિતાંશુ કોટકનું માનવું છે કે, વધુ પડતી સલાહ આપવાથી વિપરીત પરિણામ આવી શકે છે.


