બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. વર્ષ 2025માં RCBએ તેનો પહેલો આઈપીએલ ખિતાબ જીત્યો, ત્યારે વિક્ટરી પરેડમાં થયેલી નાસભાગમાં 11 ક્રિકેટ ચાહકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં જીવ ગુમાવનારાની સ્મૃતિમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 11 સીટ હંમેશા માટે ખાલી રહેશે. આઈપીએલમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ આ 11 સીટની ટિકિટ નહીં વેચાય.
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ વેંકટેશ પ્રસાદે જણાવ્યું હતું કે, આ પહેલનો હેતુ કોઈના દુઃખને યાદ કરાવવાનો નહીં, પરંતુ જે લોકોએ રમત પ્રત્યેના પ્રેમને કારણે જીવ ગુમાવ્યો છે તેમને સન્માન આપવાનો છે. આ સ્મારક લિવરપૂલના હિલ્સબરો મેમોરિયલ જેવું જ હશે, જે ફૂટબોલ જગતમાં ચાહકોની યાદમાં બનાવાયું છે.

નોંધનીય છે કે, નવી સિઝનની શરૂઆત પહેલા RCB તેમની પ્રથમ હોમ મેચ રમશે, ત્યારે સ્ટેડિયમની જાયન્ટ સ્ક્રીન પર તમામ 11 પીડિતોના નામ દર્શાવાશે અને તેમના માનમાં એક મિનિટનું મૌન પાળવામાં આવશે.
4 જૂન 2025ના રોજ હજારોની ભીડ RCBના 18 વર્ષ બાદ IPL ટ્રોફી જીતવાના જશ્ન મનાવવા માટે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જવા માટે ઉમટી હતી. પ્રત્યક્ષદર્શીઓના અનુસાર, જશ્ન દરમિયાન સ્ટેડિયમની બહાર અને અંદર અચાનક ભીડ બેકાબૂ થઈ ગઈ, જેનાથી અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના જીવ ગયા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.


