અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ જીત સાથે જ ભારતે પોતાનો ત્રીજો T20 વિશ્વ કપ ખિતાબ જીત્યો છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં કીવી ટીમ માત્ર 159 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે માત્ર 15 રન આપીને 4 વિકેટ ઝડપી હતી અને ન્યૂઝીલેન્ડની બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરી નાખી હતી.
મેદાન પરની આ ઐતિહાસિક જીત બાદ સોશિયલ મીડિયા પર પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની એક પોસ્ટ અત્યારે જોરદાર વાઇરલ થઈ રહી છે. લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પર એક્ટીવ થયેલા ધોનીએ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવતા હેડ કોચ ગૌતમ ગંભીર માટે ખાસ લખ્યું કે, ‘કોચ સાહેબ, તમારા ચહેરા પર સ્મિત ખૂબ જ સુંદર લાગે છે.’ ગંભીર સામાન્ય રીતે ગંભીર રહેવા માટે જાણીતા છે, ત્યારે ધોનીની આ રમૂજી ટિપ્પણીએ ફેન્સનું દિલ જીતી લીધું છે. ધોનીએ અમદાવાદમાં સર્જાયેલા આ ઇતિહાસને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.

ધોનીએ પોતાની પોસ્ટમાં ચેમ્પિયન બોલર બુમરાહના પણ મુક્ત મને વખાણ કર્યા હતા. તેણે મજાકિયા અંદાજમાં લખ્યું કે, ‘બુમરાહ વિશે કંઈ ના લખું તો જ સારું છે… ચેમ્પિયન બોલર!’ ઉલ્લેખનીય છે કે ફાઈનલ મેચ દરમિયાન ધોની પોતે VVIP બોક્સમાં રોહિત શર્મા સાથે બેસીને ટીમનો ઉત્સાહ વધારતો જોવા મળ્યો હતો. ધોનીની આ પોસ્ટે એ તમામ અફવાઓ પર વિરામ મૂકી દીધો છે જે ગંભીર અને ધોની વચ્ચેના સંબંધોને લઈને અવારનવાર સોશિયલ મીડિયા પર ચાલતી હોય છે.


