ભારતની T20 ટીમના ઓપનિંગ સ્લોટ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે, યુવા બેટર યશસ્વી જયસ્વાલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)માં વિસ્ફોટક પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. 14મી ડિસેમ્બરના રોજ પુણેના ડીવાય પાટિલ એકેડેમી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મુંબઈએ હરિયાણા સામેના 235 રનના વિશાળ લક્ષ્યને માત્ર 17.3 ઓવરમાં હાંસલ કરીને ઇતિહાસ રચ્યો હતો, જેમાં જયસ્વાલ હીરો બન્યો હતો.
યશસ્વી જયસ્વાલે માત્ર 50 બોલમાં 101 રનની આક્રમક ઇનિંગ રમીને હરિયાણાના બોલરો પર શરૂઆતથી જ દબાણ બનાવી દીધું હતું. તેમની ઇનિંગ્સમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થતો હતો. મુંબઈનો આ રન ચેઝ SMATના ઇતિહાસમાં બીજો સૌથી વધુ સફળ રન ચેઝ હતો.યુવા બેટર યશસ્વી જયસ્વાલે અજિંક્ય રહાણે સાથેની શરૂઆતની ભાગીદારીમાં માત્ર 19 બોલમાં 53 રન જોડ્યા હતા. ત્યારબાદ સરફરાઝ ખાન સાથે બીજી વિકેટ માટે 37 બોલમાં 88 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી, જેમાં સરફરાઝે પણ 25 બોલમાં 64 રન બનાવ્યા હતા.

જયસ્વાલની આ સદી એવા સમયે આવી છે જ્યારે ભારતીય T20 ટીમમાં ઓપનિંગ સ્લોટ અંગે સવાલો ઉઠી રહ્યા છે. 2025માં T20 ટીમમાં પાછા ફર્યા બાદ શુભમન ગિલ સંઘર્ષ કરી રહ્યો છે, જેણે 14 ઇનિંગ્સમાં માત્ર 23.90ની સરેરાશથી 263 રન બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે, યશસ્વી જયસ્વાલ હાલમાં ભારતીય ટી20 ટીમની બહાર છે. તેણે છેલ્લે 2024માં શ્રીલંકા સામે ટી20 મેચ રમી હતી. જોકે તે 2024માં ભારતની ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. તેણે તાજેતરમાં વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની પ્રથમ ODI સદી ફટકારી હતી. તેમણે અણનમ 116 (121 બોલ) રન બનાવીને ભારતને 39.5 ઓવરમાં 271 રનના લક્ષ્યાંક સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.


