રાજ્યના સમસ્ત આદિવાસી સમાજ અને સહયોગી સંસ્થાઓના ઉપક્રમે આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું તા. 26 થી 29 ડિસેમ્બર દરમિયાન સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઈમાં આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના સમસ્ત આદિવાસી સમાજ અને સહયોગી સંસ્થાઓના ઉપક્રમે આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું તા. 26 થી 29 ડિસેમ્બર દરમિયાન સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઈમાં આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજના યુવાનો-યુવતીઓને સ્વરોજગારી માટેની પ્રેરણા તેમજ નાના મધ્યમ કક્ષાના MSME, ઉદ્યોગકારો અને વ્યવસાયોને એક મંચ પર સાથે લાવીને વ્યવસાય-ઉદ્યોગોનો વ્યાપ વધારવાના અભિગમ સાથે આ મેળો યોજાયો છે.

370થી વધુ સ્ટોલ્સ, આદિવાસી વાનગીઓના 80 ઉપરાંત સ્ટોલ્સ, દેશભરના રાજ્યોના 700થી વધુ પ્રતિનિધિઓની સહભાગીતા અને MSME માટે બિઝનેસ વર્કશોપ આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળામાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ પણ સાકાર કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મેળાના પ્રારંભ સાથે સુરત જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા રૂ. 858 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ સંપન્ન કર્યા હતા. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાને વિકસિત અને આત્મનિર્ભર ભારતનું જે વિઝન આપ્યું છે તેમાં આદિવાસી ઉદ્યોગો, પરંપરાગત કલા કસબ અને MSME દ્વારા યોગદાન આપવામાં આ મેળો નવી દિશા આપશે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાને આપેલા આત્મનિર્ભર-સ્વદેશીના આ વિઝનને ગુજરાત સુપેરે પાર પાડે છે તેની ભૂમિકાની સફળતા વર્ણવતા કહ્યું કે, રાજ્ય સરકારે સ્વ સહાય મહિલા જૂથો, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અને કૌશલ્ય વર્ધન કેન્દ્રોથી યુવાઓને જોબ સીકરમાંથી જોબ ગિવર બનાવ્યા છે. તેમણે સદીઓથી પરિશ્રમ, પ્રામાણિકતા અને સ્વાભિમાન સાથે જીવતા ગુજરાતના આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાને શરૂ કરાવેલી રૂ. 2 લાખ કરોડની જનજાતિય કલ્યાણ યોજના દેશમાં આદિવાસીઓના વિકાસ માટે દિશાદર્શક બની છે તેનું પણ ગૌરવ કર્યું હતું.


