HomeGujaratSuratSurat : ઓલપાડના કુડસદ ગામમાં 24 લાખની પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચારના ગાબડા, લોકાર્પણ...

Surat : ઓલપાડના કુડસદ ગામમાં 24 લાખની પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચારના ગાબડા, લોકાર્પણ પૂર્વે જ દાદર તૂટ્યા

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે. ગામમાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે 24 લાખના ખર્ચે નવનિર્મિત પાણીની ટાંકી હજુ તો ટેસ્ટિંગ મોડમાં છે ત્યાં જ તેની નબળી ગુણવત્તાના નમૂના સામે આવ્યા છે. ટાંકીના દાદરના કઠેરામાંથી સિમેન્ટના ગાબડા પડવાનું શરૂ થઈ જતા ગ્રામજનોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

કુડસદ ગામની જૂની ટાંકી જર્જરિત થતા 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી 1 લાખ લીટરની ક્ષમતાવાળી નવી ટાંકીનું નિર્માણ વાસ્મો (WASMO) ના સુપરવિઝન હેઠળ કરવામાં આવ્યું હતું. આશરે ચાર મહિનામાં કામ પૂર્ણ થયા બાદ જ્યારે ટેસ્ટિંગ માટે પાણી ભરવામાં આવ્યું, ત્યારે ગામના એક જાગૃત નાગરિકે ટાંકીની ગુણવત્તા તપાસવા ઉપર ચઢવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દાદરનો કઠેડો અચાનક તૂટી પડ્યો હતો, જેનાથી ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ હતી. આ મામલે જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયતમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

સમગ્ર મામલે કુડસદ ગામના સરપંચે જણાવ્યું હતું કે, આ અંગે વાસ્મોના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને જાણ કરી દેવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કામ સંપૂર્ણ ગુણવત્તાસભર નહીં થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરને એક પણ રૂપિયો ચૂકવવામાં આવશે નહીં. બીજી તરફ, વાસ્મોના અધિકારીઓએ ક્ષતિ જણાશે તો ફરીથી કામ કરાવવાની ખાતરી આપી છે. જોકે, તાલુકા વિકાસ અધિકારીએ (TDO) આ સમગ્ર મામલે જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા છે અને જણાવ્યું છે કે ટેકનિકલ કામગીરી વાસ્મોની છે, તેમની જવાબદારી માત્ર ગ્રાન્ટ ચૂકવવાની છે. સરકારી નાણાંનો આ રીતે વેડફાટ થતા હવે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments