સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ પૂર્વ વિસ્તારમાં આવેલા કુડસદ ગામના રણછોડ નગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર પ્રસાદ આપવા જેવી નજીવી બાબતે સોસાયટીના રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટાહાથની મારામારી થઈ હતી. આ સમગ્ર હિંસક ઘટનાના દ્રશ્યો સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, રણછોડ નગરમાં એક પરિવાર દ્વારા પડોશમાં રહેતી નાની બાળકીને પ્રસાદ આપવામાં આવ્યો હતો. પ્રસાદ ખાધા બાદ બાળકીના ગળામાં પ્રસાદનો દાણો ફસાઈ ગયો હતો, જેના કારણે તેને ઉલટી થઈ હતી. બાળકીને ઉલટી થતા તેના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને “બાળકીને શું ખવડાવ્યું છે?” તેમ કહી પડોશી સાથે ઝઘડો શરૂ કર્યો હતો.

શરૂઆતમાં સામાન્ય લાગેલી આ બોલાચાલીએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા અને છૂટાહાથની મારામારી શરૂ થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, કઈ રીતે લોકો એકબીજા પર તૂટી પડ્યા હતા અને સોસાયટીના રહીશોમાં નાસભાગ મચી ગઈ હતી. પડોશીઓ વચ્ચેના આ વિવાદે સમગ્ર ગામમાં ચર્ચા જગાવી છે.
આ હિંસક મારામારી છતાં, આશ્ચર્યજનક રીતે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. સોસાયટીના અગ્રણીઓ દ્વારા મામલો થાળે પાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું મનાય છે. જોકે, સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ આ મામલે પોતાની રીતે તપાસ હાથ ધરે તેવી શક્યતા છે.


