સુરતના વિવાદિત ખજોદ ડમ્પિંગ સાઈટમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આગની તીવ્રતા એટલી વધારે છે કે તેના કાળા ડીબાંગ ધુમાડા 8 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આકાશમાં ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાતા આસપાસના રહીશોમાં ફફડાટ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠી છે.
આગ લાગવાની જાણ થતા જ સુરત મહાનગરપાલિકા (SMC) નું તંત્ર અને ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ છે. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. કચરાના વિશાળ ઢગલાઓમાં લાગેલી આગ અંદર સુધી પ્રસરી હોવાથી તેને ઓલવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

ખજોદ ડમ્પિંગ સાઈટમાં આગ લાગવી એ હવે એક ગંભીર અને વારંવાર બનતી સમસ્યા બની ગઈ છે. અગાઉ જ્યારે અહીં આગ લાગી હતી, ત્યારે તેને સંપૂર્ણપણે કાબૂમાં લેતા 4 થી 5 દિવસનો સમય લાગ્યો હતો. હાલની પરિસ્થિતિ જોતા આ આગ ક્યારે કાબૂમાં આવશે તે કહેવું મુશ્કેલ છે. ઉનાળાની ગરમી અને પવનના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ રહી છે, જેના કારણે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે.


