સુરત સહિત સમગ્ર દેશમાં હોળીકા દહનની ઉજવણી કરવામાં આવશે. સામાન્ય રીતે શાસ્ત્રોક્ત મુહૂર્ત મુજબ હોળી પ્રગટાવવામાં આવે છે, પરંતુ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંધીએર ગામે સદીઓથી એક અનોખી પરંપરા અખંડ રીતે નિભાવવામાં આવી રહી છે. અહીં ગામમાં હોળી પ્રગટાવવા પહેલાં નૃસિંહ ભગવાનના મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ હોળી પ્રગટાવવામાં આવે છે.
ભગવાન વિષ્ણુના ચોથા અવતાર એવા અડધા મનુષ્ય અને અડધા સિંહ સ્વરૂપ ધરાવતા નૃસિંહ ભગવાનના 500 વર્ષથી વધુ પ્રાચીન મંદિર સાંધીએર ગામે આવેલું છે. મંદિર ભક્તોની ગાઢ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. મંદિરમાં આવેલી પ્રતિમા અત્યંત દુર્લભ ગણાય છે, જેમાં ભગવાન નૃસિંહના ખોળામાં ભક્ત પ્રહલાદ બેઠેલા દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે નૃસિંહ ભગવાનની ઉગ્ર મુદ્રાવાળી પ્રતિમા જોવા મળે છે, જ્યારે અહીંનું સ્વરૂપ રક્ષક અને કરુણા ભર્યું છે, જે ભક્તોમાં વિશેષ શ્રદ્ધા જગાવે છે.
મંદિરના ટ્રસ્ટી ભરત પુરોહિત કહે છે, સાંધીએર ગામમાં આશરે 1500 વર્ષ જૂની વણઝારા વાવ નજીક આ મંદિર આવેલું છે, જે સ્થાનની પ્રાચીનતા અને ઐતિહાસિક મહત્ત્વને ઉજાગર કરે છે. સ્થાનિક જાણકારોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નૃસિંહ ભગવાનના ગણતરીના જ મંદિરો આવેલા છે, જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક મંદિર અને સુરત જિલ્લાના સાંધીએર ગામમાં આ પ્રાચીન મંદિર વિશેષ સ્થાન ધરાવે છે. દેશભરમાં પણ નૃસિંહ ભગવાનના મંદિરો મર્યાદિત સંખ્યામાં હોવાનું કહેવાય છે.

તેઓ વધુમાં કહે છે, આમ તો 365 દિવસ આ મંદિરનું મહત્ત્વ છે પરંતુ હોળીના દિવસે આ મંદિરનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. આ મંદિર સાથે હોળીની લોકવાયકા પણ જોડાયેલી છે. હિરણ્યકશિપુની બહેન હોલિકાને અગ્નિથી ન બળવાનો વરદાન મળેલો હતો. તે પ્રહલાદને ગોદમાં બેસાડી અગ્નિમાં બેઠી. પરંતુ ભક્તિની શક્તિથી પ્રહલાદ સુરક્ષિત રહ્યો અને હોલિકા દહન થઈ ગઈ હતી. ભગવાન નૃસિંહે તેમના ભક્ત પ્રહલાદના દર્શન આપવા સાથે અસુર રાજા હિરણ્ય કશ્યપથી છુટકારો અપાવવા માટે નૃસિંહ સ્વરૂપ ધારણ કર્યું હતું અને હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. ભગવાન નૃસિંહના ખોળામાં ભક્ત પ્રહલાદ હોય તેવી પ્રતિમા ભાગ્યે જ જોવા મળે છે અને સાંધીએરમા આ પ્રતિમા 500 વર્ષ કરતાં પણ વધુ જૂની છે.
આ મંદિરમાં ભગવાન નૃસિંહના ખોળામાં ભક્ત પ્રહલાદની પ્રતિમા હોય આ મંદિરનું મહત્ત્વ હોળી વખતે અનેકગણું વધી જાય છે. અહીં પહેલા મંદિરમાં પૂજા આરતી થાય છે ત્યારબાદ જ હોળી પ્રગટાવવામાં આવે છે. આધુનિક યુગમાં પણ સાંધીએર ગામે પોતાની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને અખંડ રાખી છે. નૃસિંહ ભગવાનના આશીર્વાદથી ગામમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે છે એવી ગામજનોની અડગ શ્રદ્ધા છે. હોળીના પાવન અવસરે અહીં નિભાવાતી આ પરંપરા સાંધીએરને સમગ્ર ગુજરાતમાં અનોખી ઓળખ અપાવે છે.
વિષ્ણુ ભગવાનના અવતાર એવા નૃસિંહના મંદિર ઘણી ઓછી જગ્યાએ જોવા મળે છે, તેમાંથી ગુજરાતમાં બે મંદિર છે. જેમાં સુરતના સાંધીએર ગામે ભગવાન નૃસિંહનું મંદિર 500 વર્ષ કરતા વધુ સમયનું હોવાનું કહેવાય છે. આ મંદિરનું નિર્માણ ચુના અને પથ્થરોથી થયું હતું. તેમ છતાં 500 વર્ષ સુધી અડીખમ રહ્યું હતું. આઠેક વર્ષ પહેલાં મંદિરમાંથી કેટલાક પથ્થર પડવાનું શરુ થયું હતું. પ્રતિમા ખંડિત ન થાય તેથી ગામલોકોએ ભેગા મળીને નવા મંદિરનું નિર્માણ કર્યું છે.
સાંધીએર 500 વર્ષ કરતાં વધુ જૂનું ભગવાન નૃસિંહ મંદિર આઠેક મહિના પહેલા જર્જરિત થયું હતું, તેથી ગામલોકોએ ફાળો ભેગો કરીને મંદિર બનાવ્યું હતું. ટ્રસ્ટી કહે છે, એવું કહેવાય છે કે મંદિરમાં લોખંડનો ઉપયોગ કરવાનો હોતો નથી. તેથી આ મંદિર શિલ્પ શાસ્ત્ર પર બનાવ્યું છે અને લોખંડની ખીલીનો પણ ઉપયોગ કર્યો નથી. નૃસિંહ ભગવાન રાજસ્થાનના અનેક સમાજના કુળદેવતા છે પરંતુ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અનેક રાજસ્થાની વસવાટ કરે છે. તેમના કુળદેવતાના દર્શન માટે રાજસ્થાન જવાનું હોય છે, પરંતુ સમયના અભાવે હવે અનેક રાજસ્થાનીઓ આ મંદિરે તેમના કુળદેવતાના દર્શન માટે આવવા લાગ્યા છે.


