દક્ષિણ ગુજરાતની આર્થિક જીવાદોરી સમાન સુગર ઉદ્યોગમાં અત્યારે ભાવ વધારાને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાની સુગર મિલો દ્વારા ગતરોજ શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં મહુવા સુગર ફેક્ટરી દ્વારા જાહેર કરાયેલા ભાવને લઈને વિવાદ ફાટી નીકળ્યો છે. અન્ય મિલોની સરખામણીએ મહુવા સુગરે માત્ર 3101 રૂપિયા ભાવ જાહેર કરતા ખેડૂત સભાસદોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઓછો ભાવ જાહેર થતાની સાથે જ આજે મોટી સંખ્યામાં નારાજ સભાસદો અને ખેડૂતો મહુવા સુગર ફેક્ટરી ખાતે ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા સભાસદો સીધા જ ફેક્ટરીના ડિરેક્ટરોની ચેમ્બરમાં પ્રવેશ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે મહેનત સામે મળતો આ ભાવ ઘણો ઓછો છે અને અન્ય સુગર મિલો કરતા અન્યાયી છે. સભાસદોએ તમામ ડિરેક્ટરોનો ઘેરાવ કરી તાત્કાલિક ભાવ વધારાની માંગ કરી હતી.

સભાસદોનો આક્રોશ જોતા સ્થિતિ વણસી હતી. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો શેરડીના ભાવમાં તાત્કાલિક વધારો કરવામાં નહીં આવે તો તમામ ડિરેક્ટરોએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવું જોઈએ. વિવાદ વકરતા સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો શાંત પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા. ખેડૂતો પોતાની માંગ પર અડગ છે, જેના કારણે આગામી સમયમાં આ આંદોલન વધુ તેજ બને તેવી શક્યતા છે.


