સુરતના યોગીચોકમાં દારૂ પીધેલી હાલતમાં રિક્ષાચાલકે લોકોને અડફેટે લીધા અને ગાળાગાળી કરી હતી. ઉશ્કેરાયેલા લોકોએ રિક્ષાચાલકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો.
ડાયમંડ સિટી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી વધુ એક ઘટના સામે આવી છે. સુરત શહેરના યોગી ચોક વિસ્તારમાં એક નશાખોર રિક્ષાચાલકે દારૂના નશામાં ચકચૂર થઈને જાહેર માર્ગ પર ભારે હોબાળો મચાવ્યો હતો. બેફામ બનેલા આ રિક્ષાચાલકે અનેક લોકોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના યોગી ચોક પાસે એક રિક્ષાચાલકે દારૂ પીધેલી હાલતમાં રિક્ષા હંકારી હતી. નશામાં ભાન ભૂલેલા આ ચાલકે રોડ પર જઈ રહેલા 3 થી 4 નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જ્યા બાદ પસ્તાવો કરવાને બદલે તે નશામાં બેફામ બની લોકોને અભદ્ર ભાષામાં ગાળો આપવા લાગ્યો હતો. રિક્ષાચાલકના આ વર્તનને જોઈને ત્યાં હાજર લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

રિક્ષાચાલકની દાદાગીરી અને નશાખોરી જોઈને લોકોનો સંયમ ખૂટ્યો હતો. ઉશ્કેરાયેલા સ્થાનિકોએ રિક્ષાચાલકને પકડી લીધો હતો અને તેને જાહેરમાં ‘મેથીપાક’ ચખાડી બરોબરનો પાઠ ભણાવ્યો હતો. લોકોના ટોળાએ તેને મેથીપાક આપ્યા બાદ તેના સાથીઓ તેને સમજાવીને લઈને જતા રહ્યા હતા.આ ઘટના બાદ સ્થાનિકોમાં એક જ ચર્ચા જાગી છે કે, શું આવા અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ડર જ નથી? જાહેરમાં દારૂ પીને લોકોના જીવ જોખમમાં મૂકતા આવા રિક્ષાચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માગ ઉઠી છે.


