આર્થિક કે પારિવારિક મુશ્કેલીઓ જ્યારે હદ વટાવે છે, ત્યારે માણસ જીવન ટૂંકાવવાનો આત્યંતિક નિર્ણય લેતો હોય છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં આજે આવી જ એક ઘટના બની હતી, જ્યાં એક યુવતીએ ઘર કંકાસથી કંટાળી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે, નસીબજોગે પોલીસની તત્પરતાને કારણે યુવતીનો આબાદ બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ, સિંગણપોર વિસ્તારમાં એક યુવતીએ તાપી નદીના પુલ પરથી પાણીમાં ઝંપલાવ્યું હતું. યુવતીને નદીમાં કૂદતી જોઈ આસપાસના સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજી સિંગણપોર પોલીસની ટીમ કાફલા સાથે મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસ જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી યુવતીને સુરક્ષિત રીતે પાણીની બહાર કાઢી હતી. પોલીસની આ સમયસૂચકતાને કારણે એક હસતું-રમતું જીવન બચી ગયું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મહિલાએ પારિવારિક પ્રશ્નો અને ઘર કંકાસથી કંટાળીને આ આઘાતજનક પગલું ભર્યું હતું.યુવતીને બચાવ્યા બાદ પોલીસે તેને આશ્વાસન આપ્યું હતું અને તેનું યોગ્ય કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. જીવનની મુશ્કેલીઓનો સામનો હિંમતથી કરવા સમજાવ્યા બાદ તેને પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સિંગણપોર પોલીસની આ માનવીય કામગીરીની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે.


