સુરતની રબ્બર ગર્લ ઓફ ઇન્ડિયા તરીકે દેશભરમાં ઓળખ ધરાવતી દિવ્યાંગ દીકરી અન્વી વિજય ઝાંઝરૂકિયાએ પોતાની અદમ્ય ઈચ્છાશક્તિ, યોગ પ્રત્યેના આગ્રહ અને અનોખી સિદ્ધિઓ દ્વારા સુરત સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
દિવ્યાંગ હોવા છતાં અન્વીએ યોગ ક્ષેત્રે અનોખી ઓળખ મેળવી છે. અનેક એવોર્ડ અને સન્માન પ્રાપ્ત કરીને નવી પેઢી માટે પ્રેરણારૂપ બની છે. આગામી ૨૬ જાન્યુઆરી- પ્રજાસત્તાક પર્વના અવસરે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પરંપરાગત રીતે આયોજિત ‘એટ હોમ’ ડિનર કાર્યક્રમમાં અન્વી ઝાંઝરૂકિયાને વિશેષ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહેવા માટે પોસ્ટ (ટપાલ સેવા દ્વારા અધિકૃત પત્ર)થી આમંત્રણ મળ્યું છે.
દેશના વિશિષ્ટ યોગદાન ધરાવતા પ્રતિભાશાળી નાગરિકોને માન આપવા આયોજિત થતા આ કાર્યક્રમમાં અન્વીને મળેલું આમંત્રણ સમગ્ર સુરત માટે ગૌરવનો ક્ષણ બની રહ્યું છે. અન્વીના પિતા વિજયભાઈ ઝાંઝરૂકિયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે પ્રજાસત્તાક પર્વના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા ‘એટ હોમ’ ડિનર યોજવામાં આવે છે, જેમાં મારી દીકરી અન્વીને આમંત્રણ મળ્યું છે. આ અમારા પરિવાર માટે વિશેષ સન્માન અને અણમોલ તક છે એમ જણાવી ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ નાની ઉંમરે આટલું મોટું અચિવમેન્ટ મેળવતા આખો પરિવાર ખૂબ જ આનંદ અને ગૌરવ અનુભવી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે અન્વીએ અગાઉ ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ પોતાના પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવી દિલ્હી નિવાસસ્થાને મળીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમમાં અન્વીની યોગ પ્રત્યેની પ્રતિભા અને યોગથી તેના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અન્વી દ્વારા શરૂ કરાયેલ “કરો યોગ રહો નિરોગ” અભિયાન આજે કરોડો લોકોને યોગ તરફ પ્રોત્સાહિત કરી રહ્યું છે. અત્યાર સુધીમાં અનેક લોકોને યોગ શિબિરો મારફતે જાગૃત કરવાના તેના પ્રયાસો ગુજરાતની નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. પ્રજાસત્તાક પર્વના અવસરે રાષ્ટ્રપતિના ‘એટ હોમ’ ડિનર કાર્યક્રમ માટે મળેલા આ સન્માનજનક આમંત્રણથી અન્વી ઝાંઝરૂકિયાના પરિવાર, યોગ ગુરૂઓ તેમજ સમગ્ર સુરત શહેરમાં ખુશી અને ગૌરવનો માહોલ છવાયો છે.
દિવ્યાંગ હોવા છતાં વિશિષ્ટ પ્રતિભા સાથે યોગમાં નિપુણ બનેલી અન્વી ઝાંઝરૂકિયાને રાષ્ટ્રપતિ એવોર્ડ, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર, ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. તેના જીવન પર ૧૪ કરતા વધુ પુસ્તકો લખાઈ ગયા છે. તે ૧૨ કરતા વધુ વર્લ્ડ રેકોર્ડ મેળવી ચૂકી છે. ગુજરાત સરકાર દ્વારા મરાઠી માધ્યમના ધોરણ ૭ ના પાઠ્યપુસ્તકમાં તેનો પાઠ લેવામાં આવ્યો છે. અન્વીએ ૮ લાખ કરતાં વધુ લોકો સમક્ષ યોગ રજૂ કરી લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવાનું કાર્ય કર્યું છે


