સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ઉમરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બિલ્ડરને આપઘાત માટે મજબૂર કરવાના આરોપસર પોલીસે તેની મહિલા મિત્ર સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં બ્લેકમેલિંગ અને મિલકતો પડાવી લેવાની વિગતો સપાટી પર આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.
મૃતક બિલ્ડર તુષાર ઘેલાણીએ પહેલી ફેબ્રુઆરી 2026ના રોજ પોતાના નિવાસસ્થાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાંચ દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ તબીબોએ તેમને ‘બ્રેઈનડેડ’ જાહેર કર્યા હતા. તેના મોત બાદ પરિવાર અને એક મહિલા મિત્ર સામસામે આવી ગયા હતા. તુષાર ઘેલાણીના પરિવારે ગંભીર આક્ષેપ કર્યો કે, મહિલા મિત્ર તુષારભાઈને સતત બ્લેકમેલ કરી રહી હતી અને તેમની પાસેથી દુકાન સહિતની કિંમતી મિલકતો પડાવી લીધી હતી. તુષારભાઈ આ સંબંધોનો અંત લાવવા માંગતા હતા, પરંતુ મહિલા પીછો છોડતી નહોતી. મહિલા મિત્રએ દીકરીના લગ્ન પ્રસંગે હોબાળો કરી બદનામ કરવાની ધમકી અપાતા તુષારભાઈએ અંતિમ પગલું ભર્યું.

બીજી તરફ, ધરપકડ કરાયેલી મહિલાએ પણ પોલીસમાં અરજી કરી ચોંકાવનારા દાવા કર્યા હતા. તેણે આ ઘટનાને આપઘાત નહીં પણ ‘મર્ડર’ ગણાવ્યું હતું. આક્ષેપ કર્યો હતો કે પરિવાર મૃતક તુષાર ઘેલાણીનો ઉપયોગ માત્ર ‘એટીએમ મશીન’ તરીકે કરતો હતો અને તેમને માન-સન્માન આપતો નહોતો. આ ઉપરંત તેણે એવો પણ દાવો કર્યો હતો કે દીકરીના લગ્ન માટે તુષારભાઈએ તેની માતા પાસેથી 25 લાખ રૂપિયા ઉછીના લીધા હતા.
ઉમરા પોલીસે બંને પક્ષોની અરજી અને પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરી હતી. જોકે, હાલ પોલીસે મહિલા મિત્ર સામે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી છે.


