સુરતના હરિયાલ ગામ પાસે પૂંઠા ભરેલા ટેમ્પોમાં હાઈટેન્શન વાયર અડતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને જેસીબીની મદદથી આગ પર કાબૂ મેળવાયો. ચાલકનો બચાવ થયો છે.
સુરત જિલ્લાના કીમ-માંડવી રોડ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. હરિયાલ ગામ પાસે પૂંઠા ભરેલા એક ટેમ્પોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ટેમ્પો ઉપરથી પસાર થતા હાઈટેન્શન વાયર અડી જવાને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. સદનસીબે, ચાલકની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, ટેમ્પો પૂંઠા ભરીને કીમ-માંડવી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. હરિયાલ ગામ નજીક ટેમ્પોમાં ભરેલા પૂંઠાનો જથ્થો ઉપરથી પસાર થતી હાઈટેન્શન લાઈનને અડી ગયો હતો, જેના કારણે જોરદાર સ્પાર્ક સાથે આગ લાગી હતી. ટેમ્પો ચાલકે અરીસામાં ધુમાડો જોતા જ સમયસૂચકતા વાપરી ટેમ્પોને રસ્તાની બાજુ પર રોકી દીધો હતો અને નીચે ઉતરી ગયો હતો.

આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ પૂંઠામાં હોવાથી અંદર સુધી પ્રસરેલી હતી, જેના કારણે તાત્કાલિક જેસીબી મશીન બોલાવવામાં આવ્યું હતું. જેસીબીની મદદથી ટેમ્પોમાં રહેલો પૂંઠાનો જથ્થો રસ્તા પર ખાલી કરવામાં આવ્યો હતો અને ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટનાને પગલે કીમ-માંડવી રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવવા માટેની કામગીરી હાથ ધરી હતી. ટેમ્પોમાં આગ લાગવાને કારણે પૂંઠાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.


