સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર રાજગઢ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. ટ્રેલરે રિક્ષાને ટક્કર મારતા 1નું મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર આજે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. ધ્રાંગધ્રાના રાજગઢના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલર ટ્રકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, રિક્ષા પોતાના ગંતવ્ય સ્થાને જઈ રહી હતી ત્યારે ટ્રેલરની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને મદદ કરી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બે વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ પોલીસે ટ્રેલર ચાલક વિરૂદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે અને હાઈવે પર ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી શરૂ કરી છે.


