સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આંગણવાડી કાર્યકર્તાઓ અને હેલ્પરોએ પોતાની પડતર માંગણીઓને મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતોનો કોઈ ઉકેલ ન આવતા, આંગણવાડી બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના વિરોધમાં આગામી 18 માર્ચથી 20 માર્ચ સુધી તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રાખીને વિરોધ નોંધાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હડતાળને પગલે ગ્રામીણ સ્તરે બાળકો અને મહિલાઓના પોષણની કામગીરી પર માઠી અસર પડવાની શક્યતા છે.
આંદોલન કરી રહેલી આંગણવાડી કાર્યકર્તાઓની મુખ્ય માંગણીઓમાં સંતોષકારક પગાર વધારો અને ઓનલાઇન કામગીરીમાંથી મુક્તિનો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલા જ બહેનોએ ઓનલાઇન ડેટા એન્ટ્રીનું કામ બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો, પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતા હવે શૈક્ષણિક અને પોષણક્ષમ પ્રવૃત્તિઓ કરતા કેન્દ્રો પણ બંધ રાખવાનું નક્કી કર્યું છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે, વધતી મોંઘવારી સામે તેમનો પગાર અત્યંત ઓછો છે અને ઓનલાઇન કામગીરીના ભારણને કારણે તેઓ મૂળભૂત સેવાઓ પર ધ્યાન આપી શકતા નથી.

આંગણવાડી કેન્દ્રો સતત ત્રણ દિવસ સુધી બંધ રહેવાના કારણે પાયાના સ્તરે મોટી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને મળતો પૌષ્ટિક આહાર અને કુપોષિત બાળકોને અપાતા આહારની સેવાઓ ખોરવાઈ જશે, જેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડી શકે છે. લખતર તાલુકાની આંગણવાડી બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર વહેલી તકે તેમની ન્યાયિક માંગણીઓ સ્વીકારશે નહીં, તો આગામી દિવસોમાં આ આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે.


