HomeGujaratSurendranagar : વઢવાણના આંગણે હુડો રાસ, ગોફ-ગૂંથણ અને પઢાર નૃત્યની પ્રસ્તુતિએ પ્રેક્ષકોને...

Surendranagar : વઢવાણના આંગણે હુડો રાસ, ગોફ-ગૂંથણ અને પઢાર નૃત્યની પ્રસ્તુતિએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા, ઝાલાવાડની જનતા ઉમટી પડી

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વઢવાણના ઐતિહાસિક હવા મહેલ ખાતે આયોજિત બે દિવસીય ‘મિલેટ મહોત્સવ-૨૦૨૬’ ના પ્રથમ દિવસની સાંજ લોકકલા અને સંસ્કૃતિના અનોખા સંગમ સમાન બની રહી હતી.ઐતિહાસિક વિરાસત સમાન હવા મહેલને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યો હતો, જ્યાં રાત્રે ૦૮:૦૦ થી ૧૦:૦૦ દરમિયાન યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. કલાકારોએ પોતાની પ્રસ્તુતિ દ્વારા ગુજરાતની ભાતીગળ પરંપરાને રંગેચંગે જીવંત કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જાણીતા કલાકાર પ્રદિપ એ. પરમાર અને તેમની ટીમે સૌરાષ્ટ્રની શાન ગણાતા ‘હુડો રાસ’ ની જોરદાર રમઝટ બોલાવી હતી. ત્યારબાદ, અત્યંત જટિલ ગણાતા ‘ગોફ-ગૂંથણ’ નૃત્યની અદ્ભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં કલાકારોએ પરસ્પર તાલબદ્ધ રીતે દોરીની ગૂંથણી કરી અને ફરી તેને ગૂંચવણ વગર ઉકેલી નાખી પોતાની અદભૂત કુશળતાનો પરિચય આપ્યો હતો. મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે રામભાઈ પોપટભાઈ પઢાર અને તેમના સાથી કલાકારો દ્વારા વિશ્વવિખ્યાત ‘પઢાર નૃત્ય’ મંજીરા રાસ રજૂ કરવામાં આવ્યું હતું. નળકાંઠાના પઢાર સમુદાયની વિશિષ્ટ શૈલીમાં રજૂ થયેલા આ નૃત્ય અને મંજીરાના નાદે પ્રેક્ષકોને ડોલાવ્યા હતા.

આ સાથે જ કલાકાર વૈશાલીબેન મિસ્ત્રીએ આદ્યશક્તિની આરાધનાના પ્રતીક સમાન પ્રાચીન-અર્વાચીન ગરબા રજૂ કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે મુલાકાતીઓએ ધાન્ય આધારિત પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ વિવિધ વાનગીઓનો રસાસ્વાદ માણ્યો હતો. બાળકો માટે તૈયાર કરવામાં આવેલ વિશેષ ‘ચિલ્ડ્રન પ્લે એરિયા’ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જિલ્લા વહીવટી તંત્રના સુચારુ આયોજનના પરિણામે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ઝાલાવાડવાસીઓ આ ઉત્સવમાં ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મહોત્સવના બીજા દિવસે એટલે કે આજરોજ ખ્યાતનામ કલાકાર હિતેશકુમાર બારોટ દ્વારા ‘કસુંબલનો રંગ’ લોકસાહિત્યનો કાર્યક્રમ યોજાનાર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સાહિત્યિક મિજબાનીમાં પધારવા તમામ નાગરિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments