પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, સુરેન્દ્રનગરની કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે વાહનોના પસંદગીના (ફેન્સી) નંબરની ફાળવણી માટે ઓનલાઇન રિ-ઓક્શન કરવામાં આવનાર છે.
આ પ્રક્રિયામાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર અને હેવી વાહનોની જૂની સીરીઝના બાકી રહેલા સિલ્વર અને ગોલ્ડન નંબરો માટે હરાજી કરવામાં આવશે. જે વાહન માલિકો પોતાના વાહન માટે મનપસંદ નંબર મેળવવા ઈચ્છતા હોય, તેઓએ તેમના વાહનની વેચાણ તારીખ અથવા વીમા તારીખ—એ બેમાંથી જે વહેલું હોય તે મુજબના સાત દિવસમાં નોંધણી કરાવવી ફરજિયાત છે.
આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે અરજદારોએ સરકારની અધિકૃત વેબસાઇટ http://parivahan.gov.in/fancynumber પર જઈને ઓનલાઇન સી.એન.એ. (CNA) ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે શરૂ થશે અને તા. ૧૯/૦૨/૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૫૯:૫૯ કલાકે પૂર્ણ થશે. ત્યારબાદ, બિડિંગની પ્રક્રિયા તા. ૧૯/૦૨/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે શરૂ થશે અને તા. ૨૧/૦૨/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે પૂર્ણ કરવામાં આવશે.

હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તમામ અરજદારોએ તા. ૨૩/૦૨/૨૦૨૬ ના રોજ રિ-ઓક્શનના ફોર્મ સુરેન્દ્રનગર આર.ટી.ઓ. કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત, જે અરજદારો હરાજીમાં સફળ થશે, તેઓએ બાકી નીકળતી બિડિંગની રકમની રસીદ સાથે દિન-૫ (પાંચ દિવસ)માં કચેરીમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ અથવા અધૂરી વિગતોવાળી અરજીઓ નામંજૂર કરવામાં આવશે.
વાહનની વેચાણ તારીખ કે વીમા તારીખ પૈકી જે વહેલું હોય તે તારીખથી અને સી.એન.એ. ફોર્મ ભરેલ હોય તેવા જ અરજદારો પસંદગીના નંબર માટે ૬૦ દિવસ સુધી રિ-ઓક્શનમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય મર્યાદા બહારની અરજીઓ રદબાતલ ગણવામાં આવશે, જેની સંબંધિત વાહન માલિકોએ ખાસ નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, સુરેન્દ્રનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.


