આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સશક્ત નારી મેળાએ રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે એક નવી દિશા આપી છે.બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં રાજ્ય કક્ષાના 77માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ‘સશક્ત નારી મેળા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મેળાનું ઉદ્ઘાટન કરી સખી મંડળની બહેનો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમની ઉત્પાદિત ચીજવસ્તુઓ નિહાળી હતી. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય નારી શક્તિને આત્મનિર્ભર બનાવી તેમની સર્જનશીલતાને યોગ્ય મંચ પૂરું પાડવાનો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સશક્ત નારી મેળાએ રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે એક નવી દિશા આપી છે.

થરાદમાં યોજાઈ રહેલા આ ત્રિ-દિવસીય કાર્યક્રમોમાં રાજ્યપાલ પણ બે દિવસ રોકાણ કરવાના છે, જે આ પર્વની ગરિમામાં વધારો કરશે. આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જ્યારે સરહદી વિસ્તારમાં થઈ રહી છે, ત્યારે સ્થાનિક મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેળામાં પ્રદર્શિત વિવિધ સ્ટોલ્સ અને મહિલાઓની કૃતિઓ આત્મનિર્ભર ગુજરાતની ઝલક રજૂ કરે છે.


