ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થઈ છે. ગત 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ પ્રક્રિયાના અંતે આજે (17 ફેબ્રુઆરી 2026) રાજ્યની આખરી મતદાર યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ ઝુંબેશને સફળ બનાવવા માટે રાજ્યભરમાં મિશન મોડ પર કામગીરી કરવામાં આવી હતી.
કુલ મતદારો: ફાઈનલ વોટર લિસ્ટ, મુજબ રાજ્યમાં હવે કુલ 4,40,30,725 મતદારો નોંધાયેલા છે.
મતદારોનો વધારો: મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ આખરી યાદીમાં અંદાજે 5.60 લાખ નવા મતદારોનો ઉમેરો થયો છે.
કામગીરીનું માળખું: આ પ્રક્રિયામાં 34 જિલ્લા ચૂંટણી અધિકારીઓ, 182 મતદાર નોંધણી અધિકારીઓ અને 50,963 BLO (બૂથ લેવલ ઓફિસર) એ સક્રિય ભૂમિકા ભજવી છે.
ડિજીટાઈઝેશન અને ડોર-ટુ-ડોર સર્વે
ચૂંટણી તંત્ર દ્વારા પારદર્શિતા લાવવા માટે તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજીટાઈઝેશન કરવામાં આવ્યું હતું. BLO દ્વારા ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં અવસાન પામેલા મતદારો, કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયેલા નાગરિકો, બે જગ્યાએ નામ ધરાવતા મતદારોની ઓળખ કરી નામ કમી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો સાથેની બેઠકો બાદ જે મતદારોના ફોર્મ પરત નહોતા આવ્યા, તેમની યાદી પણ CEOની વેબસાઈટ પર પારદર્શિતા માટે મૂકવામાં આવી હતી.

તમારું નામ કેવી રીતે ચકાસશો?
- વેબસાઇટ: http://ceo.gujarat.gov.in
- વોટર પોર્ટલ: voters.eci.gov.in
- મોબાઈલ એપ: ECINET App
- રૂબરૂ: BLO અથવા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી
હજુ પણ નામ નોંધણી કરાવી શકાશે
જે યુવાનોએ 1 જાન્યુઆરી 2026ના રોજ 18 વર્ષ પૂર્ણ કર્યા છે અને તેમનું નામ યાદીમાં નથી, તેઓ હજુ પણ ફોર્મ ભરી શકે છે:
- નવું નામ નોંધાવવા: ફોર્મ નં. 6
- નામ કમી કરવા/વાંધા માટે: ફોર્મ નં. 7
- વિગતોમાં સુધારો કરવા: ફોર્મ નં. 8


