અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓ પહેલા રાજ્યના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી બહુલ ડાંગ જિલ્લામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ડાંગ ભાજપના પાયાના મનાતા અનેક દિગ્ગજ આગેવાનો, ચાલુ સરપંચો અને હોદ્દેદારો સહિત 100 થી વધુ સક્રિય કાર્યકરોએ ભાજપનો સાથ છોડી વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય મથક ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં આ તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ તમામ નવા સદસ્યોને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરે અને ડાંગના માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિત વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
ભ્રષ્ટાચાર અને અન્યાય સામે બળવો
ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા આગેવાનોએ પક્ષ પલટાનું મુખ્ય કારણ શાસક પક્ષમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર અને પાયાના કાર્યકરોની ઉપેક્ષા હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, “ભાજપ સરકાર ડાંગના વિકાસના માત્ર બણગાં ફૂંકે છે, પરંતુ વાસ્તવમાં જમીની સ્તરે માત્ર ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે. છેવાડાના માનવીના પ્રશ્નો ઉકેલવાને બદલે સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી પક્ષ માટે લોહી-પરસેવો પાડનારા કાર્યકરોની સતત અવગણના થતી હોવાથી હવે જનતાના હિત માટે અમે કોંગ્રેસનો માર્ગ પસંદ કર્યો છે.”
કોંગ્રેસની મજબૂતી અને રાજકીય સમીકરણો
આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, “ડાંગના આટલી મોટી સંખ્યામાં પાયાના કાર્યકરોનું કોંગ્રેસમાં જોડાવું એ સાબિત કરે છે કે હવે જનતા ભાજપના શાસનથી કંટાળી છે અને પરિવર્તન ઈચ્છે છે. આ જોડાણથી સમગ્ર આદિવાસી પટ્ટામાં કોંગ્રેસની શક્તિ બમણી થશે.” ડાંગ જિલ્લા પ્રમુખ સ્નેહલ ઠાકરેએ ઉમેર્યું કે, હજુ પણ ભાજપના અનેક જૂથો અને આગેવાનો કોંગ્રેસના સંપર્કમાં છે, જે આગામી દિવસોમાં પક્ષમાં જોડાશે.
કોંગ્રેસમાં જોડાયેલા મુખ્ય ચહેરાઓ
કોંગ્રેસમાં જોડાનાર મુખ્ય આગેવાનોમાં ડાંગના રાજકારણના જાણીતા નામો સામેલ છે:
- બાબુભાઈ બાગુલ: માજી સરપંચ
- નિલેશભાઈ બાબુભાઈ બાગુલ: જિલ્લા કારોબારી અધ્યક્ષ
- વિજયભાઈ ચૌધરી: માજી જિલ્લા કારોબારી ચેરમેન
- લગનભાઈ ગામીત: તાલુકા કારોબારી ચેરમેન
- કરસનભાઈ ચૌધરી: સરપંચ, પીપલદહાડ
- મગનભાઈ રાઉત: તાલુકા સભ્ય
આ ઉપરાંત અનેક તાલુકા સભ્યો, વર્તમાન અને માજી સરપંચો, વોર્ડ સભ્યો અને 100 થી વધુ સક્રિય કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાઈને ડાંગ જિલ્લામાં ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. ડાંગના રાજકારણમાં આ મોટા પરિવર્તનને આગામી ચૂંટણીઓ માટે નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે.


