વડોદરા શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે, ઓલ ગુજરાત ઈન્ડેન ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશનના જણાવ્યા અનુસાર, માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત વધવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે.વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે, જેના કારણે વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઓલ ગુજરાત ઈન્ડેન ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશનના જણાવ્યા અનુસાર, માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત વધવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે.
એસોસિએશનના સહમંત્રી હિરેન સુખડીયાએ આ સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, વડોદરામાં દૈનિક 14,000 સિલિન્ડરની જરૂરિયાત છે, પરંતુ તેની સામે હાલમાં 20,000 થી વધુ ઈન્ક્વાયરી આવી રહી છે. ઘણા ગ્રાહકો ભવિષ્યની અછતને ધ્યાનમાં રાખીને સિલિન્ડરનો ‘સ્ટોક’ (સંગ્રહ) કરવા ઈચ્છી રહ્યા છે, જેના કારણે બજારમાં કૃત્રિમ અછત જેવી સ્થિતિ ઉભી થઈ છે.

વડોદરા શહેરમાં 36 જેટલા ડિસ્ટ્રીબ્યુટર્સ કાર્યરત છે. સામાન્ય દિવસોમાં પ્રત્યેક એજન્સી પાસે સરેરાશ 700 ગેસ બોટલ આવતી હોય છે, તેની સામે હાલ માત્ર 300 થી 350 બોટલ જ મળી રહી છે. એટલે કે, સપ્લાય અડધો થઈ ગયો છે, જેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાપારી એકમો પર પડી રહી છે.
તંત્ર અને એસોસિએશન દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. હિરેન સુખડીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, એવી માહિતી મળી રહી છે કે રશિયા ભારતને ગેસ પુરવઠો આપશે, જેનાથી ટૂંક સમયમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જવાની આશા છે. તેમણે લોકોને ગભરાઈને જરૂર કરતા વધારે બોટલ સ્ટોક ન કરવા સલાહ આપી છે.


